ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ

ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ, 4 જુલાઈ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ગુરુવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની જ 6 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ, ઘટનાનો બનાવ 2 જુલાઈના બપોરનો છે. ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી આરુષી શાળામાંથી બપોરે લગભગ 12 વાગ્યે પરત ફરી હતી. બપોરે 3:30 વાગ્યે માતા ઉષા લોઢીએ તેને ઘરકામ કરવા કહ્યું, પરંતુ આરુષીએ ના પાડતા, ઉષાએ ગુસ્સામાં આવીને પહેલે તેને અનેક થપ્પડ મારી અને બાદમાં તેનું ગળું દબાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફેબ્રિકેટર તરીકે કામ કરતા અમિતકુમાર શિવપાલ લોઢીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પત્ની ઉષાએ તેમને બપોરે 4:12 વાગ્યે ફોન કરીને કહ્યું કે આરુષી સુઈ ગઈ છે અને જાગી રહી નથી. તેઓ તરત જ એક સહકર્મી સાથે ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા બાળકી બેભાન હાલતમાં મળી, જેને તેઓ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી.

પરિવારજનોએ મૃતદેહને ઘરે પાછો લાવ્યો હતો, પરંતુ એક સ્થાનિકે 108 ઇમરજન્સી સેવામાં જાણ કરતા એમ્બ્યુલન્સ દ્વારા બાળકીના મૃતદેહને ઓઢવની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં ડોકટરોએ સાંજે 5 વાગ્યે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓઢવ પોલીસ ઘટના અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.