બિહારના જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ગોપાલ ખેમકાની શુક્રવાર રાત્રે તેમની જ રહેણાંક એપાર્ટમેન્ટ બહાર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક શખ્સ હેલ્મેટ પહેરીને કારની રાહ જોતા નજરે પડે છે અને માત્ર 6 સેકન્ડમાં ગોળી ચલાવીને સ્કૂટી પરથી ફરાર થઈ જાય છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર, રાત્રે 11:38 વાગ્યે ગોપાલ ખેમકા જ્યારે પોતાની કારમાં ઘરે ફર્યા, ત્યારે શૂટરે તેમની પર તાબડતોબ ફાયરિંગ કર્યું. ખેમકાની કાર પાછળ બીજી એક કાર પણ જોવા મળી, પરંતુ ત્યાં હાજર લોકો કંઈ સમજી શકે, તે પહેલાં શૂટર નાસી ગયો.
ગોળી વાગ્યા બાદ ખેમકાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને આશંકા વ્યક્ત કરી છે કે હત્યાનું ષડયંત્ર બેઉર જેલમાંથી રચાયું હોઈ શકે છે. પોલીસે હવે જેલમાં પણ તપાસ શરૂ કરી છે.
ગોપાલ ખેમકાના ભાઈ શંકર ખેમકાએ જણાવ્યું હતું કે, “ગોપાલ બાંકીપુર ક્લબના ડાયરેક્ટર હતા અને રોજના નિયમ મુજબ ક્લબથી પરત ફરી રહ્યા હતા. કોઈ ઝઘડો કે દુશ્મની નહોતી. જો કોઈ ખતરો હોત, તો ભાઈ આવી રીતે રાત્રે ઘેર પાછા ના ફર્યા હોત.”
હત્યાકાંડના પગલે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કડક નિવેદન આપતા જણાવ્યું કે, “મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે કાયદો વ્યવસ્થા હાથે લેનારાઓ સામે આકરી કાર્યવાહી થશે. આરોપીઓને ઘરમાં ઘૂસીને પકડવામાં આવશે. જે અધિકારીઓની બેદરકારીથી ઘટના બની, તેમની સામે પણ 24 કલાકમાં પગલાં લેવાશે.”

Leave a Reply