અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. 5 જુલાઈના રોજ ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત તેમના ખાનગી ગોલ્ફ કોર્સ પર એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નો ભંગ કર્યો હતો. આ ઘટનાની પુષ્ટિ ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) દ્વારા કરવામાં આવી છે.
ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોરસમાં હાજર હતા ત્યારે ઘટી ઘટના
માહિતી મુજબ, બપોરે 2:39 વાગ્યે ઘટના બની હતી, ત્યારે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોર્સમાં હાજર હતા. ટ્રમ્પની હાજરીને કારણે વિસ્તારમાં TFR લાગુ કરાયું હતું. છતાં એક સામાન્ય પેસેન્જર વિમાન પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં પ્રવેશી ગયું, જેને પગલે રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી જણાઈ આવી છે.
ફાઈટર જેટ્સે ‘હેટબટ’ રણનીતિ અપનાવી વિમાનને બહાર કાઢ્યું
NORADના ફાઈટર જેટ્સ તુરંત હરકતમાં આવી ગયા હતા અને ઇન્ટરસેપ્ટ કરીને પેસેન્જર વિમાનના પાયલટનું ધ્યાન દોર્યું. હેટબટ પદ્ધતિ દ્વારા સંકેત આપીને પાયલટને વિમાન પ્રતિબંધિત વિસ્તારથી સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ, TFR લાગુ હોવા છતાં તે દિવસે કુલ પાંચ વખત આવા ઉલ્લંઘન થયાં હતાં. અગાઉ પણ ત્રણ વખત આવો ભંગ થવા પામ્યો હતો. પરિણામે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
એરફોર્સે પાયલટ્સને કડક ચેતવણી આપી
યુ.એસ. એરફોર્સે FAA દ્વારા જારી કરવામાં આવેલી NOTAMs (1353, 1358, 2246, 2247)ના પાલન અંગે પાયલટ્સને કડક સૂચનાઓ આપી છે. એરફોર્સે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “કોઈ બહાનું નહીં ચાલે. જો તમે બેડમિન્સ્ટર વિસ્તારમાં ઉડાનનું આયોજન કરો છો, તો ખાસ સાવચેતી રાખો.”
TFR ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી શક્ય
NORADએ સ્પષ્ટ કહ્યું છે કે, TFRનું ઉલ્લંઘન થયા પર સસ્પેન્શન, દંડ તેમજ ક્યારેક વિમાનને તોડી પાડવાની કાર્યવાહી પણ શક્ય છે. આ અંગે યુ.એસ. એરફોર્સે અગાઉ વીડિયો જાહેર કરીને પણ ચેતવણી આપી હતી.

Leave a Reply