લાફા કાંડ કેસમાં ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન રાજપીપળા કોર્ટે નામંજૂર કર્યા, આવતીકાલે સેશન્સ કોર્ટમાં કરશે અપીલ

લાફા કાંડ કેસમાં ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન રાજપીપળા કોર્ટે નામંજૂર કર્યા, આવતીકાલે સેશન્સ કોર્ટમાં કરશે અપીલ

દેડિયાપાડા લાફા કાંડ મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટ તે ફગાવી દીધી છે. સાથે જ ચૈતર વસાવાની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે.

સેશન્સ કોર્ટમાં આવશે જામીન અરજી

કોર્ટના નિર્ણય અનુસાર, હવે ચૈતર વસાવા જામીન મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટનો રસ્તો લઈ શકે છે. મળતી માહિતી મુજબ, આગામી સોમવારે, 7 જુલાઈએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે. હાલ ચૈતર વસાવાને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલવામાં આવ્યા છે.

કોર્ટ બહાર રાજકીય ગરમાવો, પોલીસ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજપીપળા કોર્ટ બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ દ્વારા AAPના નેતા ગોપાલ ઇટાલિયા, પાર્ટી કાર્યકરો અને મીડિયા પ્રતિનિધિઓને કોર્ટમાં પ્રવેશ માટે રોકવામાં આવ્યા હતા, જેના પગલે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.

AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાને લઈને પોલીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં.” તેમણે વધુમાં જણાવ્યું કે, “અદાલત ખુલ્લી હોય છે, કોઈ પણ નાગરિક ત્યાં જઈ શકે.” પોલીસ દ્વારા કોર્ટનો દરવાજો બંધ કરી લોકોએ અને મીડિયા પ્રતિનિધિઓને અંદર જવા અટકાવાયા હતા, જેને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published.