- આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મહિલાઓ સાથે સંવાદ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રીનો સંકલ્પ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહકારી ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે સહકાર ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્ર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું મજબૂત સાધન બની રહ્યું છે.”
બનાસકાંઠાના બદલાતા ચહેરાની ઝાંખી આપી
શાહે પોતાના ભાષણમાં બનાસકાંઠાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, “જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે બનાસકાંઠામાં પાણીની ગંભીર અછત હતી. લોકો અઠવાડિયામાં ફક્ત એક વખત જ નહાઈ શકતા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો માટે આ સ્થિતિ કલ્પના કરતાં પણ અગમ્ય હોઈ શકે. પણ આજે એજ વિસ્તારમાં દુધ ઉત્પાદનમાં એક પરિવારે વાર્ષિક એક કરોડ રૂપિયાની આવક મેળવવી એ મોટા પરિવર્તનનું ચિહ્ન છે.”
નિવૃત્તિ પછી વેદો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો ઈરાદો
આ પ્રસંગે અમિત શાહે પોતાના નિવૃત્તિ પછીના જીવનને લગતો મહત્વપૂર્ણ સંકલ્પ જાહેર કરતાં કહ્યું કે, “હું પોતે નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઇશ, ત્યારે મારી બાકીનો જીવનકાળ વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરી દઈશ.”
તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નહીં પણ એક વૈજ્ઞાનિક અભિગમ છે, જેના કારણે માત્ર કૃષિ ઉત્પાદન વધે છે નહીં પરંતુ આરોગ્યપ્રદ જીવન પણ શક્ય બને છે. તેમના જણાવ્યા મુજબ, “રાસાયણિક ખાતરો વડે ઉગાડેલા અન્ન ઘટકો કેટલીકવાર કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને થાઈરોઇડ જેવી બીમારીઓનું કારણ બની શકે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી શરીરને રોગમુક્ત રાખવામાં મદદરૂપ છે.”
સહકારથી સમૃદ્ધિ તરફ
શાહે દેશના સહકારી ઉદ્યોગોને વધુ મજબૂત અને લોકમુખી બનાવવા માટે સરકારના પ્રયાસોને પણ રજૂ કર્યા. તેમણે કહ્યું કે સહકાર એક એવી યાંત્રિક શક્તિ છે જે ગ્રામીણ અને નાગરિક ક્ષેત્રે વિકાસને મજબૂત ધોરણે આગળ ધપાવે છે.

Leave a Reply