આર્થિક ગુનામાં 23 વર્ષથી ફરાર રહેલી મોનિકા કપૂરને આખરે CBI દ્વારા અમેરિકામાંથી પકડવામાં આવી છે. CBI ટીમ મોનિકા કપૂરને આજે રાત્રે ભારત લાવશે. આ કાર્યવાહી ભારતીય તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હતી. CBI દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી.
શું છે આખો મામલો?
મોનિકા ઓવરસીઝના નામે કંપની ચલાવતી મોનિકા કપૂરે પોતાના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને નકલી શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેન્ક સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે 1998માં 6 રિપ્લેનિશમેન્ટ લાયસન્સ મેળવ્યા હતા, જેના માધ્યમથી તેણે 2.36 કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કર્યું હતું. પછી આ લાયસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે આ લાયસન્સનો ઉપયોગ સોનાની આયાત માટે કર્યો હતો, જેના પરિણામે સરકારને અંદાજે 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
2004માં ચાર્જશીટ, 2010માં રેડ કોર્નર નોટિસ
CBI દ્વારા તપાસ બાદ 31 માર્ચ, 2004ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ IPCની કલમ 120-B (ષડયંત્ર), 420 (છતરી), 467, 468 અને 471 (નકલી દસ્તાવેજોની બનાવટ અને ઉપયોગ) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બર, 2017ના રોજ દિલ્હી સ્થિત સાકેત કોર્ટે રાજન અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ મોનિકા કપૂર તપાસ દરમિયાન વિદેશ ભાગી ગઈ હતી અને ટ્રાયલમાં હાજર રહી નહોતી.
13 ફેબ્રુઆરી, 2006ના રોજ કોર્ટે મોનિકા કપૂરને ગુનેગાર જાહેર કરી હતી અને 2010માં તેની સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી.
હવે, 23 વર્ષ પછી તેની ધરપકડ સાથે ન્યાયિક પ્રક્રિયાને આગળ વધારવા માટે મોનિકા કપૂરને ભારત લાવવામાં આવી રહી છે.

Leave a Reply