વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે.
દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ છે. કમિટી બ્રિજ તૂટી પડવાનું મુખ્ય કારણ, તંત્રની બેદરકારી અને તકેદારીના મુદ્દે તપાસ કરીને 30 દિવસમાં સમગ્ર અહેવાલ સરકારને સોંપશે. આ સાથે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી સૂચનો આપશે.

ઉચ્ચ અધિકારીઓની મુલાકાત અને સ્થળ નિરીક્ષણ
દુર્ઘટનાના બીજા દિવસે, 10 જુલાઈના વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં મુખ્ય ઇજનેર શ્રી સી. પટેલ, એન. કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા સહિતના અધિકારીઓ શામેલ હતા. સાથે જ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, મહેસૂલી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. સ્થળ પર રાતભર તંત્રના કર્મચારીઓ તહેનાત રહ્યા હતા.
સર્ચ ઓપરેશન ચાલુ, વધુ એક મૃતદેહ મળી આવ્યો
એનડીઆરએફની ટીમે સતત બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ રાખી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે.
અન્ય તંત્રોની કામગીરી પણ શરૂ
દુર્ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે. તૂટી પડેલા બ્રિજના ઝૂલી ગયેલા ભાગને સુરક્ષા દૃષ્ટિકોણે તોડી પાડવાની કામગીરી માટે કલેક્ટરે સૂચના આપી છે.

Leave a Reply