મરાઠા સામ્રાજ્યના સત્તાવાર ઇતિહાસ અને વિરાસત માટે એક ગૌરવભરી ઘડી સામે આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત અને સંરક્ષિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને રાજ્ય માટે “ગૌરવની ક્ષણ” તરીકે વર્ણવી છે.
મરાઠા મિલિટ્રી લેન્ડસ્કેપ્સને વૈશ્વિક ઓળખ
‘મરાઠી મિલિટ્રી લેન્ડસ્કેપ્સ’ તરીકે ઓળખાતા આ કિલ્લાઓ મરાઠા શાસનકાળની સૈન્ય કૌશલ્ય, કિલ્લાબંધી અને સંરક્ષણની ઉચ્ચ કળાનું પ્રતિનિધિત્વ કરે છે. આ યાદીમાં મહારાષ્ટ્રના કુલ 11 અને તમિલનાડુના 1 કિલ્લા સમાવાયા છે. આ કિલ્લાઓ છે:
- સાલ્હેર
- શિવનેરી
- લોહગઢ
- ખંડેરી
- રાયગઢ
- રાજગઢ
- પ્રતાપગઢ
- સુવર્ણદુર્ગ
- પન્હાલા
- વિજયદુર્ગ
- સિંધુદુર્ગ
- જિંજી (તમિલનાડુ)
પેરિસમાં 47મી વિશ્વ ધરોહર સમિતિ સત્ર
આ મહત્વપૂર્ણ નિર્ણય યુનેસ્કોની 47મી વિશ્વ ધરોહર સમિતિની બેઠક દરમિયાન પેરિસમાં લેવામાં આવ્યો હતો. ફડણવીસે X (હવેનું ટ્વિટર) પર લખ્યું હતું, ‘ખરેખર, આ મહારાષ્ટ્ર અને ભારત માટે એક અદ્ભુત ક્ષણ છે! આ શક્ય બનાવવા માટે તમારા બધા પ્રયત્નો અને સમર્થન બદલ આભાર’
ગૃહમંત્રી અમિત શાહે પણ વ્યક્ત કરી ખુશી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ નિર્ણય પર આનંદ વ્યક્ત કરતાં લખ્યું, “મહારાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓ યુનેસ્કોની યાદીમાં સામેલ થવું સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. થોડા દિવસ પહેલાં જ મેં રાયગઢ કિલ્લા પર જઈને મહારાજના જીવનથી જોડાયેલા પવિત્ર સ્થળોને અનુભવ્યા હતાં. આ કિલ્લાઓ હિંદવી સ્વરાજ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનાં જીવંત પ્રતીક છે.”
રાજ્ય અને રાષ્ટ્ર માટે ઐતિહાસિક તબક્કો
આ નિર્ણય માત્ર મહારાષ્ટ્ર માટે નહિ, પણ સમગ્ર ભારત માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને દ્રષ્ટિને વૈશ્વિક સ્તરે માન્યતા મળવી તે ભવિષ્યની પેઢીઓ માટે પણ પ્રેરણાસ્રોત રહેશે.

Leave a Reply