વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 20 સુધી પહોંચ્યો

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 20 સુધી પહોંચ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતો મહિ નદી પરનો બ્રિજ તૂટી પડ્યાના અકસ્માતમાં મોતનો આંક હવે 20 સુધી પહોંચી ગયો છે. શુક્રવારના દિવસે વધુ એક મૃતદેહ પિલરની નીચેથી મળ્યો છે, જ્યારે સારવાર હેઠળ રહેલા એક ઈજાગ્રસ્તનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.

બ્રિજના ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડતા અનેક વાહનો અને લોકો નદીમાં ખાબકી ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી દરમિયાન પ્રથમ દિવસે 13 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં બે બાળકો પણ સામેલ હતા. ત્યારબાદ શુક્રવારે વધુ 5 મૃતદેહો મળી આવ્યા.

આજે સવારે સારવાર લેતા બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ તેમના મિત્ર ભૂપેન્દ્રભાઈ સાથે નાઇટ શિફ્ટ પૂર્ણ કર્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બ્રિજ તૂટી પડ્યો હતો. પાણીમાં તણાતી બોરી પકડીને બચી ગયેલા નરેન્દ્રસિંહને બચાવીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેમનું મોત થયું. પરિવારજનોએ સારવારમાં બેદરકારીના આક્ષેપ પણ કર્યા છે.

વધુ એક મૃતદેહ પિલર નીચેથી મળ્યો

શુક્રવારે બપોરે પિલરની નીચેથી 32 વર્ષીય સુખાભાઈ ભગવાનભાઈ વાગડિયા (રહે. સરસવા ગામ, પંચમહાલ)નો મૃતદેહ મળ્યો છે. તેઓ આ દુર્ઘટનામાં પાણીમાં ગરકાવ થયા હતા. હાલમાં હજુ એક વ્યક્તિ લાપતા છે, જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ દુર્ઘટનામાં મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે. રાજ્ય સરકાર દ્વારા બ્રિજ તૂટી પડવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતાં તાકીદે જવાબદારી નક્કી કરવાના સંકેત આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.