અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે.
શુ છે મામલો?
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એ માટે જૂના સ્ટ્રક્ચરો તોડી નવું બાંધકામ કરવાનું આયોજન છે. હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ આ વિસ્તૃત યોજના હેઠળ આવે છે, જેને ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, સ્થાનિક લોકોએ મંદિર ખસેડવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
તેમજ, હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ડૉ. રાકેશ જોષી મંદિરના પૂજારી સાથે મુલાકાત કરીને માતાજીની ‘રજા’ લેવા માટે પરંપરાગત રીતે દાણા જોવડાવવાનું કહે છે. પૂજારી દાણા જોઈને મંદિર ન ખસેડવાની વાત કહેતા દેખાય છે.
પૂજારીની સ્પષ્ટતા: “અંધશ્રદ્ધાનો પ્રશ્ન નથી”
વિડિયો સામે આવતા ખોડિયાર મંદિરના પૂજારી સંદીપ દવેએ સ્પષ્ટતા કરી છે કે, “સુપરિન્ટેન્ડેન્ટ મંદિર ખસેડવા અંગે ચર્ચા કરવા આવ્યા હતા. અમારી પરંપરા મુજબ દાણા જોવડાવ્યા હતા. માતાજીએ જગ્યા ખાલી કરો એવું કહ્યું પણ રજા આપી નહી. આ પરંપરા છે, તેને અંધશ્રદ્ધા નહીં ગણવી જોઈએ.”
વિવાદ વધ્યો, તંત્ર મૌન
AI અને વૈજ્ઞાનિક વિચારધારાના યુગમાં, રાજ્યના મહત્વના તબીબી સંસ્થાના વડા અંધશ્રદ્ધા સમાન કૃત્યમાં સામેલ હોય તેવી દાવાઓથી સમાજમાં ચર્ચા ગરમાઈ છે. જોકે, હોસ્પિટલ તંત્ર કે આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજી સુધી સામે આવ્યું નથી.

Leave a Reply