ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા.
જવારા પધરાવતી ઘડી બની જીવલેણ
ડૉ. નિરવ પોતાની દીકરીને સાથે લઈને એક્ટિવા પર અડાલજ નર્મદા કેનાલ પર ગયા હતા. ત્યાં દીકરીને કેનાલના કિનારે ઊભી રાખી પોતે જવારા પધરાવા માટે પાણીમાં ઉતર્યા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ કેનાલના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા. આ દ્રશ્ય દીકરીએ પોતાની આંખોથી જોયું અને ભયથી રડતી-ચીસો પાડવા લાગી.
મદદ માટે લોકો દોડી આવ્યા, પણ…
દીકરીના બુમો સાંભળીને આજુબાજુના રિક્ષાચાલકો દોડી આવ્યા. એક રિક્ષાચાલકે તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું અને મહેનત કરી ડૉ. નિરવને બહાર કાઢ્યા. તેમને તરત જ અડાલજ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.
ઘટનાસ્થળે શોકના લાગણીભર્યા દ્રશ્યો
ઘટનાની જાણ થતાં ડૉ. કોશા અને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હેડ કોન્સ્ટેબલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “મોત દુર્ઘટનાગત છે અને પગ લપસી જવાથી કેનાલમાં પડવાનું પ્રથમ તપાસ માં સામે આવ્યું છે.” પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply