અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે.
આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે વર્ષ 2020થી 2025 વચ્ચે ભારતમાં 65 વિમાનોના એન્જિન ઉડાન દરમિયાન ફેઈલ થયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના આંકડા મુજબ માત્ર 17 મહિનામાં 11 “મેડે કોલ” નોંધાયા છે.
આમાં અમદાવાદમાં તૂટી પડેલી AI-171 ફ્લાઇટ અને ઈન્ડિગોની ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
એન્જિન ફેઈલ થવાનું મુખ્ય કારણ ઇંધણમાં પાણી કે ગંદકી, ટર્બાઇનમાં ખામી, ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં બગાડ અને ઇંધણ પુરવઠામાં અવરોધ હોવાનું જણાયું છે. નિષ્ણાતો કહે છે કે, વિશ્વભરમાં એન્જિન ફેઈલ થવી સામાન્ય વાત નથી, પરંતુ ભારતમાં આવી ઘટનાઓ વધારાની ચિંતા ઊભી કરે છે.
RTIના આધારે મળેલી માહિતી મુજબ ભારતમાં ચલાવાતી દરેક એરલાઇનમાં લગભગ દર મહિને એક વિમાનના એન્જિનમાં તકલીફ થાય છે.
AI-171 ક્રેશની તપાસમાં એવું જણાયું છે કે બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટઓફ મોડમાં આવી ગયા હોઈ શકે છે, જેના કારણે બંને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થયું હતું.
ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ જણાવ્યું કે, બધી 65 ઘટનાઓમાં પાઈલટ્સે એક એન્જિનના આધારે વિમાનને સુરક્ષિત રીતે નિકટના એરપોર્ટ પર લે જવાની સફળતા મેળવી હતી.

Leave a Reply