“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવી ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યના મુખ્‍યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વર્ષ 2029 સુધી ભાજપ અને તેનું ગઠબંધન વિપક્ષમાં નહીં જાય. સાથે સાથે તેમણે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેનાં પક્ષને ઈશારામાં સત્તા પંથકમાં આવવાની ખુલ્લી ઓફર આપી.

BMC ચૂંટણીના સંદર્ભે રાજકીય સંકેત

મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીઓ નજીક હોવાથી ફડણવીસનું આ નિવેદન ખાસ મહત્વ ધરાવે છે. અગાઉ BMCમાં ભાજપ અને શિવસેના વચ્ચે ભારે ટક્કર થઈ હતી, જેમાં હવે શિવસેનાનો (ઉદ્ધવ જૂથ) પ્રભાવ જોવા મળે છે. ભાજપ માટે BMCમાં કબજો મેળવવો મહત્વાકાંક્ષી લક્ષ્ય છે, અને તે માટે ભાજપ તમામ રાજકીય સમીકરણો શોધી રહી છે.

ફડણવીસના નિવેદનનો સાર

ફડણવીસે વિધાનસભામાં કહ્યું,

“ઉદ્ધવજી, ઓછામાં ઓછા 2029 સુધી અમારી વિપક્ષમાં જવાની શક્યતા નથી. જો તમે ઈચ્છો તો આ તરફ આવવાનું વિચારી શકો છો.”

આ નિવેદન પછી રાજ્યના રાજકીય વર્તુળોમાં શક્ય ગઠબંધન અંગેની અટકળો તેજ બની છે.

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સરળ પ્રતિસાદ

દેવેન્દ્ર ફડણવીસના નિવેદન અંગે મીડિયા દ્વારા પ્રતિસાદ માગતા ઉદ્ધવ ઠાકરેએ આને ગંભીરતાથી લેવાને બદલે હળવાશભર્યો પ્રતિસાદ આપતાં કહ્યું,

“આ બધું જવા દો, હસી-મજાકની વાત છે.”

ભવિષ્યનાં રાજકીય ગઠબંધન વિશે સંભાવનાઓ

તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે અને એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા — જે 20 વર્ષ પછીનું તેમને મળવાનું મહત્વનું પ્રસંગ હતું. બંનેએ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમ છતાં, ઉદ્ધવ જૂથનું રાજ ઠાકરેના ઉત્તર ભારતીય વિરોધી વલણથી સંમત થવું મુશ્કેલ છે, જેના કારણે એમએનએસ સાથે ગઠબંધન શક્ય નહિં લાગે.

બીજી તરફ, ભાજપ માટે પણ ઉદ્ધવ સાથે ગઠબંધન સરળ નથી. કારણ કે એક તરફ શિંદે જૂથ પહેલેથી જ ભાજપ સાથે છે, અને બીજી તરફ ઉદ્ધવ જૂથનું પુનરાગમન સત્તા સમીકરણમાં તણાવ ઉભો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.