PM મોદી 23 જુલાઈથી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે, UK સાથે FTA પર કરશે હસ્તાક્ષર

PM મોદી 23 જુલાઈથી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે, UK સાથે FTA પર કરશે હસ્તાક્ષર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ સુધી એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વિદેશ પ્રવાસે રહેશે, જેમાં તેઓ બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે.

બ્રિટનમાં ભારત-યુકે FTA પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી તેમની યાત્રાના પ્રથમ તબક્કામાં 23 અને 24 જુલાઈએ બ્રિટન જશે. અહીં તેઓ લાંબા સમયથી રાહ જોવાતા મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) પર હસ્તાક્ષર કરશે.

આ કરાર મુજબ, લગભગ 99% ભારતીય નિકાસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવામાં આવશે. બીજી તરફ, બ્રિટિશ ઉત્પાદનો જેવી કે વિસ્કી અને કારોને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી વાતચીતના અંતે હવે આ કરાર પર સહમતિ થઈ છે, જે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવામાં સહાયક બનશે.

કેવળ આર્થિક ક્ષેત્રમાં જ નહીં, આ FTA સુરક્ષા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સહયોગને પણ નવી ઊંચાઈ આપશે.

માલદીવની યાત્રા : દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનશે

પ્રધાનમંત્રી મોદી 25 અને 26 જુલાઈએ માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ માલદીવના 60મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં માલદીવમાં નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના કાર્યકાળમાં આ પીએમ મોદીની પહેલી યાત્રા છે. અગાઉના સમયમાં ‘ઇન્ડિયા આઉટ’ ઝુંબેશ અને ચીન તરફ ઝુકાવતી નીતિઓને કારણે ભારત-માલદીવ સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.

મોદીનો છેલ્લો માલદીવ પ્રવાસ જૂન 2019માં થયો હતો. હવે તેમની આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ અને સહયોગ વધારવાનો સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published.