મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક શિક્ષકે વિદ્યાર્થીને શિસ્ત માટે ઠપકો આપ્યો અને એક થપ્પડ મારી — પણ વાત એટલી પર જ અટકી નહીં. તરત જ વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને શિક્ષક પર જ હુમલો કર્યો.
આ ઘટના દરમિયાન ચાલતા ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીએ શિક્ષકને વારંવાર ઠપાટા માર્યા અને ઘર્ષણ સર્જાયું. CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ છે, જેને લોકો ‘રિવર્સ ઉનો કાર્ડ’ જેવી સ્થિતિ કહી રહ્યાં છે, કેમ કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને માર પડતો હોય છે, પરંતુ અહીં વિદ્યાર્થીએ શિક્ષકને જ માર્યો.
આ ઘટના શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓમાં વધતી અણશિસ્ત અને શિક્ષકની ઘટતી પ્રતિષ્ઠા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્કૂલ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ પ્રકારની ઘટનાએ સમાજમાં શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

Leave a Reply