આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમને અમલમાં મૂકવા જઈ રહી છે. આ નિયમ મુજબ, જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય, તો તેની જગ્યાએ તેની જ ભૂમિકા ધરાવતો બીજો ખેલાડી રિપ્લેસ તરીકે ટીમમાં સામેલ થઈ શકશે. એટલે કે બેટ્સમેનના સ્થાને બીજો બેટ્સમેન અને બોલરના સ્થાને બીજો બોલર લેવામાં આવશે. હાલ આ નિયમને ટ્રાયલ પાયે અમલમાં મૂકવામાં આવ્યો છે અને તે ઓક્ટોબર 2025થી સત્તાવાર રીતે લાગુ થશે.
આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને મેદાન પર માથામાં ઇજા જેવી ગંભીર પરિસ્થિતિઓમાં, જ્યાં ટીમ ડોક્ટરની પુષ્ટિ બાદ રિપ્લેસમેન્ટ જરૂરી બને છે, ત્યાં જ આ નિયમ લાગુ થશે. તાજેતરના નિયમોમાં માત્ર ફિલ્ડિંગ માટે સબ્સ્ટીટ્યૂટ ખેલાડી ઉપલબ્ધ રહેતો હતો, જે બેટિંગ કે બોલિંગ કરી શકતો નહોતો. પરિણામે ટીમોને કઈ વખત મોટી અડચણનો સામનો કરવો પડતો હતો.
નવા નિયમમાં એવું પણ સ્પષ્ટ કરાયું છે કે, ઈજાગ્રસ્ત ખેલાડી જે તમામ જવાબદારીઓ ભજવી રહ્યો હતો, તે દરેક જવાબદારી રિપ્લેસમેન્ટ ખેલાડી પર લાગુ નહીં પડે. એટલે કે, તે કેપ્ટનશિપ કે ખાસ રોલ્સ નહીં ભજવી શકે. તેમ છતાં, આ બદલાવથી ક્રિકેટમાં રમતી ટીમોને વધુ ન્યાયપૂર્ણ અવકાશ મળશે અને ઈજાઓના લીધે ટીમને ભોગવવી પડતી તાત્કાલિક નુકસાનીથી બચાવ થશે.

Leave a Reply