ભારતીય બેન્કો પર લોનનું ભારણ સતત વધતું જઈ રહ્યું છે અને તેની સાથે લોન લીધા બાદ તે રકમ ન ચૂકવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતા લોન ન ચૂકવનારાઓને “વિલફુલ ડિફોલ્ટર્સ” તરીકે ઓળખવામાં આવે છે. સંસદમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 31 માર્ચ 2025 સુધી પબ્લિક સેક્ટર બેન્કોએ 1629 વિલફુલ કોર્પોરેટ ડિફોલ્ટર્સની ઓળખ કરી છે. આ તમામે મળીને બેન્કોના અંદાજે 1.62 લાખ કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે.
આંકડા મુજબ 1600થી વધુ લોકો એવા છે જેમણે કરોડો રૂપિયાની લોન લીધી છે, પણ પાછી ચુકવવાનું ટાળે છે, જ્યારે તેમની પાસે ચુકવવાની ક્ષમતા છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ બેન્કોએ દર મહિને આ પ્રકારના ડિફોલ્ટર્સની યાદી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને આપવી પડે છે. આવા લોકોને નવી લોન આપવામાં નથી આવતી તેમજ કેપિટલ માર્કેટમાં પ્રવેશ પણ પ્રતિબંધિત છે. અત્યાર સુધી આશરે નવ લોકો વિદેશ ભાગી ગયા છે અને તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. બેન્કો પાસે તેમનો કુલ બાકીદો ₹15,298 કરોડ જેટલો છે.
વિશેષરૂપે નોંધવું રહ્યું કે વર્ષ 2024ના અંત સુધી આંકડા મુજબ વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા 2664 હતી અને તેઓએ ₹1.96 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનું ટાળ્યું હતું. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે આવી નીતિગત ભૂલો સામે સરકાર અને બેન્કોની સંયુક્ત કાર્યવાહીમાં કેટલો જોર મૂકાયો છે?

Leave a Reply