રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા

રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક હ્રદયદ્રાવક દુર્ઘટના બની. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની 78 વર્ષ જૂની ઇમારતની છત તૂટી પડતાં સાત માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે તેઓએ પહેલાથી અનેક વખત ચેતવણીઓ આપી હતી. શાળાની દિવાલો ખંડેર જેવી હાલતમાં હતી અને તાજેતરમાં કરાયેલું પ્લાસ્ટર કામ પણ ફક્ત દેખાવ માટે હતું. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, “છત પરથી પોપડા પડતા હતા અને અમે શિક્ષકોને સૂચિત કર્યા હતા, પણ તેમણે અમને ધમકાવીને પાછા બેસાડી દીધા. ત્યારબાદ અચાનક છત તૂટી પડી.”

ઘટનાની સમયે શિક્ષકો નાસ્તો કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રાર્થના સભા માટે શાળાની અંદર હાજર હતા. ઘટના પછી વિદ્યાર્થીઓના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેઓએ શાળાની દુર્દશા અંગે અગાઉથી અનેક ફરિયાદો કરી હોવાની વાત પણ કરી છે.

દુર્ઘટના પછી તરત જ જિલ્લા વહીવટીતંત્રએ પગલાં લીધાં છે. પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અજયસિંહ રાઠોડે જણાવ્યું કે, “વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને ઘટનાની વિગતો આવતા કડક પગલાં લેવામાં આવશે.”

 

Leave a Reply

Your email address will not be published.