ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલ પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ. હૈદરગઢ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતાં ભીડમાં હાહાકાર મચી ગયો અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા છે.
કઈ રીતે બની આ દુર્ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં 22 વર્ષીય પ્રશાંત, જે લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરા ગામના રહેવાસી હતા, અને એક અન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બંનેને ત્રિવેદીગંજ સીએચસીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જીવ બચાવી શકાયો નહોતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘટના વહેલી સવારે 3 વાગ્યે બની, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે મંદિર પરિસરમાં ભેગા થયા હતા.
આ દરમિયાન અચાનક એક વાંદરે વીજળીના વાયર પર કૂદકો માર્યો, જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો. વાયર પડતાની સાથે જ શેડમાં વીજકરંટ ફેલાઈ ગયો. વીજકરંટ લાગતા શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા અને એકબીજાને ધક્કા મારીને ભાગવા લાગ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ અને અનેક લોકો ઘાયલ થયા.
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં પણ નાસભાગનો કિસ્સો
આ ઘટનાથી એક દિવસ પહેલા જ રવિવારે ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના બની હતી. કાવડ યાત્રા બાદ રસ્તો ખોલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભીડ વધતાં અરાજકતા ફેલાઈ અને અકસ્માતમાં 8 લોકોના મોત થયા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ અને પ્રશાસનની કાર્યવાહી
બારાબંકી પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચી ઘાયલ લોકોને તરત જ હોસ્પિટલ ખસેડ્યા. હાલ ઘાયલોના સારવાર ચાલી રહી છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply