ઝારખંડના દેવઘરમાં મંગળવારની સવારે ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવ્યો. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પાસે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક શિવભક્તોના મોત નિપજ્યા, જ્યારે ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તાજેતરની માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 શિવભક્તોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
કેવી રીતે બન્યો અકસ્માત?
માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 5.30 વાગ્યે કાવડિયા યાત્રીઓને લઈને જતી બસ ટ્રક સાથે અથડાઈ. ટક્કરની તીવ્રતાએ આખો રસ્તો મરણચીસોથી ગૂંજી ઉઠ્યો. ઘટનાની જાણ થતા જ મોહનપુર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કર્યું. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
કાવડિયા યાત્રા દરમિયાન સર્જાયો ભયાનક અકસ્માત
દેવઘર ઝારખંડનું એક મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં વૈદ્યનાથ મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં શિવભક્તો (કાવડિયા) અહીં જળ ચઢાવવા માટે આવે છે. કાવડિયાઓની આ યાત્રા દરમિયાન બસમાં સવાર ભક્તો પર દુર્ઘટનાએ આફત લાવી દીધી.
બચાવ કામગીરી અને સરકારી પ્રતિક્રિયા
પોલીસ અને બચાવ દળો દ્વારા ઘટનાસ્થળે સતત કામગીરી ચાલી રહી છે. ઘાયલ ભક્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને સહાય પૂરી પાડવાનો આશ્વાસન આપ્યો છે અને ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારી સારવાર માટે રિફર કરવામાં આવી રહ્યા છે.
આ દુર્ઘટનાએ કાવડિયા યાત્રામાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને દેવઘરમાં શિવભક્તો વચ્ચે માહોલ દુઃખદ બની ગયો છે

Leave a Reply