ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા પછી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાનો ત્રાટક ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં ઘણી સંખ્યામાં બાળકો અનાથ બન્યા. આવા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માનવતાની અનોખી મિસાલ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પાકિસ્તાનના ગોળીબારમાં પોતાના માતા-પિતા ગુમાવનારા પૂંછ જિલ્લાના 22 બાળકોની જવાબદારી લેશે અને તેમના શિક્ષણનો સમગ્ર ખર્ચ ઉઠાવશે.
રાહુલ ગાંધીની મોટી પહેલ
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ ચીફ તારિક હામિદ કર્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધી પૂંછના 22 બાળકોના શિક્ષણ માટે પહેલ કરી છે. તેમણે કહ્યું કે, “આ બાળકોના શિક્ષણ માટેનો પહેલો હપ્તો જાહેર કરી દેવાયો છે અને ગ્રેજ્યુએશન સુધી સહાયતા ચાલુ રહેશે.”
બાળકો માટે સહાય શરૂ
માહિતી મુજબ, રાહુલ ગાંધીએ આ વર્ષે મે મહિનામાં પૂંછની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક નેતાઓને અપીલ કરી હતી કે પ્રભાવિત બાળકોની યાદી તૈયાર કરે. કાર્યકરો દ્વારા સરકારી રેકોર્ડ તપાસીને અને સર્વે કરીને બાળકોની યાદી બનાવી, જે બાદમાં રાહુલ ગાંધીને આપવામાં આવી.
પૂંછની મુલાકાત દરમિયાન બાળકોને આપ્યો સંદેશ
પૂંછની મુલાકાતે રાહુલ ગાંધી ક્રાઇસ્ટ પબ્લિક સ્કૂલ પણ પહોંચ્યા હતા, જ્યાં 12 વર્ષના ટ્વિન ઉર્બા ફાતિમા અને જૈન અલનું પાકિસ્તાની ગોળીબારમાં મોત થયું હતું. બાળકો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું, “તમે તમારા મિત્રોને ખૂબ યાદ કરતા હશો, તમને થોડો ડર પણ લાગતો હશે, પરંતુ ચિંતા ન કરો. બધું બરાબર થઈ જશે. આ સ્થિતિનો સામનો કરવાનો એક જ રસ્તો છે – વધારે અભ્યાસ કરો.”
પાકિસ્તાનને મળ્યો જડબાતોડ જવાબ
ગોળીબાર દરમિયાન પૂંછ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત રહ્યો. ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા અને કેટલાકે પોતાનો જીવ ગુમાવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ન ફક્ત તેના એરબેઝ ઉડાડ્યા, પરંતુ અનેક આતંકી ઠેકાણાઓને પણ ધ્વસ્ત કરી દીધા.
રાહુલ ગાંધીની આ પહેલ માત્ર પ્રભાવિત બાળકોને નવી આશા જ આપતી નથી, પરંતુ માનવતાની મૂલ્યોને મજબૂત બનાવે છે.

Leave a Reply