કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા કરવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાં સર્જાયેલી માનવીય દુર્ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીનો આરોપ છે કે ભારત સરકાર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર મૌન ધારણ કરીને માનવતાના મૂળભૂત મૂલ્યોને અવગણે છે.
ગાઝામાં માનવીય સંકટની ગંભીર સ્થિતિ
સોનિયા ગાંધીએ એક પ્રતિષ્ઠિત અખબારમાં લખેલા લેખમાં જણાવ્યું કે ગાઝામાં હાલ લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલની સૈન્ય નાકાબંધી માનવતાના વિરોધમાં એક જઘન્ય અપરાધ છે, જે ગાઝાના લોકોને ભૂખ, બીમારી અને અભાવના અણીએ લાવીને ઊભા કરી રહી છે.
દવાઓ અને ભોજન પર અવરોધ
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઈઝરાયલી સુરક્ષા દળોએ ન ફક્ત સૈન્ય અભિયાન તેજ કર્યું છે, પરંતુ દવા, ભોજન અને ઈંધણ જેવી જીવન જરૂરી વસ્તુઓને જાણીજોઈને અવરોધી રહી છે. આ ક્રૂર વ્યૂહનીતિ ગાઝાના નાગરિકોને જીવિત રહેવાનો અધિકાર છીનવી રહી છે અને માનવતાને ઘાયલ કરી રહી છે.
માળખાકીય સુવિધાઓનો નાશ અને માનવ નિર્મિત દુર્ઘટના
લેખમાં તેમણે જણાવ્યું કે નાકાબંધીએ ગાઝામાં માળખાકીય સુવિધાઓનો નાશ કર્યો છે. હોસ્પિટલોમાં દવાઓની કમી, ઈંધણની ખોટ અને ભોજનની અછત લાખો લોકોને જીવન અને મોત વચ્ચેની લડતમાં ધકેલી રહી છે. તેમણે આને “માનવ નિર્મિત દુર્ઘટના” ગણાવી.
વડાપ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહાર
સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, “ઈઝરાયલ દ્વારા ગાઝાના નાગરિકો પર થતા અત્યાચારો પર વડાપ્રધાન મોદીની શરમજનક ચુપ્પી નિરાશાજનક છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના પરંપરાગત માનવતાવાદી મૂલ્યો તરફથી સ્પષ્ટ અને આકરા શબ્દોમાં અવાજ ઉઠાવે.
આંતરરાષ્ટ્રીય સમુદાય માટે સંદેશ
સોનિયા ગાંધીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ અપીલ કરી કે ગાઝાની દુર્દશા સામે તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે. તેમણે કહ્યું કે નરસંહાર અને ભૂખથી મારવાની વ્યૂહરચના માનવતાની વિરુદ્ધ અપરાધ છે, જેને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરી શકાય નહિ.

Leave a Reply