અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા માટે મિત્ર દેશ હોવા છતાં વેપારના ક્ષેત્રમાં પૂરતું સહકાર આપતું નથી. તેમણે ભારતની ટ્રેડ નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંનું એક છે. સાથે જ, નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. આ કારણોસર અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી છે.
અમેરિકાનો આક્ષેપ: ભારતનો રશિયા અને ચીન સાથે વધતો વેપાર
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ભારત સૈન્ય ઉપકરણોની ખરીદીમાં રશિયા પર ભારે નિર્ભર છે. ઉપરાંત, ભારત ચીન સાથે સાથે રશિયાથી ઊર્જા અને શસ્ત્રોનો સૌથી મોટો ભાગીદાર છે. ટ્રમ્પે જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ રશિયાને યુક્રેનમાં હિંસા બંધ કરવા કહે છે, ત્યારે ભારતનો આ વ્યાપાર ચિંતાજનક છે.

1 ઓગસ્ટથી ટેરિફ સાથે વધારાની પેનલ્ટી પણ લાગુ
ટ્રમ્પે ચેતવણી આપી છે કે 1 ઓગસ્ટથી માત્ર 25% ટેરિફ જ નહીં, પરંતુ એક વધારાની પેનલ્ટી પણ ભારતને ચૂકવવી પડશે. આ નિયમના અમલ પછી ભારત-અમેરિકા વેપાર સંબંધો પર મોટો પ્રભાવ પડશે. ટ્રમ્પે અંતે પોતાના સંદેશમાં જણાવ્યું, “મેક અમેરિકા ગ્રેટ અગેઇન.”
ભારત-અમેરિકા વેપાર પર અસર
આ નિર્ણયથી બંને દેશો વચ્ચેનો વેપાર વધુ પડકારજનક બની શકે છે. નિષ્ણાતોના મતે, વધતા ટેરિફ અને પેનલ્ટી ભારતના નિકાસ ઉદ્યોગ પર સીધી અસર કરશે, ખાસ કરીને તે સેક્ટરો પર જે અમેરિકાના બજારમાં ભારે પ્રમાણમાં આધાર રાખે છે. આ સાથે જ રાજકીય તણાવ પણ વધવાની શક્યતા છે.

Leave a Reply