અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”
દક્ષિણ કોરિયા સાથે મોટો વેપાર કરાર
ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથે એક વ્યાપક વેપાર કરારની પણ જાહેરાત કરી. આ કરાર મુજબ, દક્ષિણ કોરિયા અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરશે, જેનું નિયંત્રણ ટ્રમ્પની દેખરેખ હેઠળ થશે. ઉપરાંત, દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી 100 અબજ ડોલરનું એલએનજી (તરલ પ્રાકૃતિક ગેસ) અને અન્ય ઊર્જા ઉત્પાદનો ખરીદશે.
ટ્રમ્પે જણાવ્યું કે દક્ષિણ કોરિયા પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારાનું રોકાણ પણ કરશે. આ વધારાના રોકાણની સત્તાવાર જાહેરાત કોરિયાના પ્રમુખ લી જે માયંગની વ્હાઇટ હાઉસ મુલાકાત દરમિયાન કરવામાં આવશે.
આ કરાર મુજબ દક્ષિણ કોરિયા અમેરિકન કાર, ટ્રક અને કૃષિ ઉત્પાદનો માટે સંપૂર્ણ રીતે ખુલશે. સાથે જ સાઉથ કોરિયાથી અમેરિકા આવતા સામાન પર 15% ટેરિફ લાગુ થશે, જ્યારે અમેરિકન ઉત્પાદનો પર કોઈ ટેક્સ નહીં લાગે.
અમેરિકા-પાકિસ્તાન તેલ ભાગીદારી
ટ્રમ્પે પાકિસ્તાન સાથેના કરાર અંગે કહ્યું કે, આ સહયોગ પાકિસ્તાનના તેલ ઉદ્યોગ માટે ઐતિહાસિક સાબિત થશે અને બંને દેશોની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનમાંથી તેલની નિકાસ ભવિષ્યમાં ભારત જેવા દેશો સુધી પહોંચી શકે છે.
વેપાર ખાધ ઘટાડવાના પ્રયાસો
ટ્રમ્પે જણાવ્યું કે અન્ય દેશો પણ અમેરિકા સાથે ટેરિફ મુક્તિ મેળવવા માટે દરખાસ્તો કરી રહ્યા છે, જેના કારણે અમેરિકાની વેપાર ખાધ મોટા પાયે ઘટશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ નીતિઓ તેમના MAGA (Make America Great Again) એજન્ડા સાથે સુસંગત છે અને અમેરિકાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
ભારત અને BRICS પર સીધો પ્રહાર
ટ્રમ્પે ભારત અંગે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમેરિકા ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે, પરંતુ ભારતનું BRICS સભ્યપદ અને ઊંચા ટેરિફ આ પ્રક્રિયાને મુશ્કેલ બનાવી રહ્યા છે. BRICS એવા દેશોનો સમૂહ છે જે અમેરિકાની નીતિઓને પડકાર આપે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “ડૉલર પર કોઈને હુમલો કરવા અમે દઈશું નહીં.”
ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારતનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં અસંતુલન છે. તેમણે વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા હોવા છતાં વેપાર ખાધને ગંભીર ગણાવી.

Leave a Reply