Updated: Feb 1st, 2026
GS TEAM

Under 19 World Cup, IND vs PAK : આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે પાકિસ્તાનને 58 રને પરાજય આપી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. ઝિમ્બાબ્વેના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી આ સુપર સિક્સ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 46.2 ઓવરમાં માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ જીત સાથે ભારત સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે રમશે, જ્યારે પાકિસ્તાનનું ટૂર્નામેન્ટમાં સફર શરમજનક રીતે સમાપ્ત થયું છે.
ભારત તરફથી વેદાંત ત્રિવેદીની શાનદાર બેટિંગ
ભારતીય ઈનિંગ્સમાં મધ્યક્રમના બેટ્સમેન વેદાંત ત્રિવેદીએ શાનદાર બેટિંગ કરતા 98 બોલમાં 68 રન ફટકાર્યા હતા. ઓપનર વૈભવ સૂર્યવંશીએ આક્રમક શરૂઆત કરી 22 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે એરોન જ્યોર્જે 25 બોલમાં 16 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રે શૂન્ય રને આઉટ થયો હતો, પરંતુ વિહાન મલ્હોત્રાએ 43 બોલમાં 21 રન અને અભિજ્ઞાન કુંડુએ 27 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં કનિષ્ક ચૌહાણે 29 બોલમાં 35 રન અને ખિલન પટેલે 15 બોલમાં અણનમ 21 રન બનાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. આર.એસ. અંબરીશે પણ 38 બોલમાં 29 રન ફટકાર્યા હતા.
પાકિસ્તાનનો મોહમ્મદ સૈયમ ખર્ચાળ બોલર સાબિત થયો
પાકિસ્તાન તરફથી બોલિંગમાં અબ્દુલ સુભાને 9.5 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સૈયમે 10 ઓવરમાં 69 રન આપીને 2 વિકેટ મેળવી હતી, તે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. અલી રઝાએ 10 ઓવરમાં 56 રન ખર્ચ્યા અને 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત અહેમદ હુસૈને 7 ઓવરમાં 33 રન આપી 1 વિકેટ, મોમીન કમરે 9 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ અને અલી હસન બલોચે 4 ઓવરમાં 19 રન ખર્ચીને 1 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનના 7 બેટર ડબલ ફિગર સુધી પહોંચી ન શક્યા ન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 86 બોલમાં 64 રન બનાવ્યા હતા. હમઝા ઝહૂરે 49 બોલમાં 42 રન અને ફરહાન યુસુફે 39 બોલમાં 38 રન બનાવ્યા હતા, પરંતુ મધ્યક્રમ પત્તાની મહેલની જેમ ધરાશાયી થયો હતો. સમીર મિન્હાસ 11 બોલમાં 9 રન, અહેમદ હુસૈન 6 બોલમાં 2 રન અને અલી હસન બલોચે 7 બોલમાં 2 રન બનાવી આઉટ થયા હતા. હુઝૈફા અહેસાને અંતિમ ઓવરોમાં 30 બોલમાં 14 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.
આ પણ વાંચો : પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે, શાહબાઝ સરકારનો મોટો નિર્ણય
ભારત તરફથી મ્હાત્રેની દમદાર બોલિંગ, ઓછા રન આપી ત્રણ વિકેટ લીધી
ભારત તરફથી કેપ્ટન આયુષ મ્હાત્રેએ 8 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. ખિલન પટેલે પણ ધારદાર બોલિંગ કરતા 9.2 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. આર.એસ. અંબરીશે 5 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ, હેનીલ પટેલે 5 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ, કનિષ્ક ચૌહાણે 10 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ અને વિહાન મલ્હોત્રાએ 4 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. દીપેશ દેવેન્દ્રને 5 ઓવરમાં 33 રન આપ્યા હતા પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ માટે ટક્કર
હવે ટૂર્નામેન્ટ નોકઆઉટ સ્ટેજ પર પહોંચી છે. પ્રથમ સેમિફાઈનલ 3 ફેબ્રુઆરીએ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. બીજી સેમિફાઈનલ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ બંને મેચોની વિજેતા ટીમો વચ્ચે 6 ફેબ્રુઆરી, 2026ના રોજ હરારેમાં જ ગ્રાન્ડ ફાઈનલ રમાશે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનની મેચમાં દરમિયાન મોબાઈલનો ઉપયોગ… પાક. કોચે નિયમોના ધજાગરા ઉડાવ્યા

Leave a Reply