Updated: Mar 1st, 2026
GS TEAM

Jonny Bairstow Stuck In UAE Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં એક સ્ટાર ક્રિકેટર ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ક્રિકેટર સોશિયલ મીડિયા પર તેમના દેશના વડાપ્રધાન પાસે મદદ માંગી છે. ઈંગ્લેન્ડનો આ સ્ટાર ખેલાડી IPLમાં પણ રમી ચૂક્યો છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં ફસાયો સ્ટાર ક્રિકેટર!
મિડલ ઈસ્ટમાં વધતાં સૈન્ય તણાવની અસર હવે ક્રિકેટર પર પણ પડી છે. પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે 1 માર્ચે રમાનારી બીજી 50 ઓવરની મેચ રદ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે, ત્યારે IPL રમનાર જૉની બેયરસ્ટોએ યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન કીર સ્ટારમર પાસેથી મદદ માંગી છે. જૉની બેયરસ્ટો અબુ ધાબી (UAE)માં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે અને ટીમ માટે કોચિંગ-મેન્ટરિંગની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
જૉનીએ યુકેના વડાપ્રધાનને કરી અપીલ
જૉની હાલ ટીમને સુરક્ષિત પરત મોકલવાને લઈને ચિંતિત છે. તેઓએ યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન કીર સ્ટારમને સોશિયલ મીડિયા પર અપીલ કરતાં લખ્યું કે, ‘શું તમે અમને ઘરે પહોંચાડી શકો છો?’
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં અબુ ધાબીમાં
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં અબુ ધાબીમાં રોકાઈ છે, જ્યાં મોટા વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે મોબાઈલ ફોન પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને સુરક્ષિત ઈમારતોમાં આશ્રય લેવાની અને સંભવિત મિસાઈલ ખતરાને કારણે બારીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
પાકિસ્તાન સામેની મેચ રદ
આ ઘટનાક્રમથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં ચિંતા વધી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે. ટીમ અને સ્ટાફની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, તે સુરક્ષા નિષ્ણાતો અને સરકાર સાથે સતત સંપર્કમાં છે અને તમામ સત્તાવાર સલાહનું પાલન કરી રહ્યું છે. આના કારણે પાકિસ્તાન સામેની સુનિશ્ચિત મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે સંકેત આપ્યા છે કે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ આગળનું સમયપત્રક નક્કી કરવામાં આવશે.
કોણ છે જૉની બેયરસ્ટો?
36 વર્ષીય જૉની IPLમાં સ્ટાર રહ્યો છે. તેણે 52 મેચમાં 34.87ની સરેરાશથી 1,674 રન બનાવ્યા હતા. 2022ની મેગા ઓક્શન પહેલા SRHએ તેને રિલીઝ કર્યો હતો, જ્યાં તેને પંજાબ કિંગ્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. પગની ઈજાને કારણે તે IPL 2023માં રમ્યો ન હતો. જૉની બેયરસ્ટોએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી નથી, પરંતુ તે 2024થી ઈંગ્લેન્ડ ટીમની બહાર છે, અને ટીમમાં પાછા ફરવાનો તેમનો માર્ગ મુશ્કેલ લાગે છે. ઈંગ્લેન્ડ માટે તેણે 100 ટેસ્ટ રમી છે, જેમાં 6,042 રન, 107 વનડે અને 80 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 1,671 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુઃખી- કોચ પદ છોડવાના સંકેત આપ્યા
પીવી સિંધુ પણ ફસાઈ
ઈરાન પર યુએસ-ઈઝરાયલ હુમલાને કારણે ઘણા ભારતીય ખેલાડીઓ પણ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. જેમાં પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ હોવાનું સામે આવ્યું છે. ઑલ ઈંગ્લેન્ડ ઓપન માટે તેને બર્મિંગહામ જવાનું હતું. જેના માટે દુબઈથી બર્મિંગહામ કનેક્ટિંગ ફ્લાઇટ હતી, પરંતુ યુદ્ધને કારણે આગામી સૂચના સુધી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. અબુ ધાબીમાં અલ ધાફરા એર બેઝનો ઉપયોગ UAE એરફોર્સ અને યુએસ એરફોર્સ દ્વારા કરવામાં આવે છે. દુબઈનું જેબેલ અલી પોર્ટ મધ્ય પૂર્વમાં યુએસ નેવીનું સૌથી મોટું પોર્ટ ઑફ કોલ છે, જ્યાં યુએસ એરક્રાફ્ટ કેરિયર્સ અને અન્ય નેવી જહાજો વારંવાર આવે છે.

Leave a Reply