T20 World Cup and Pakistan : ટી20 વિશ્વ કપ2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન અને ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક્શન મોડમાં આવ્યું છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ ટીમની નાકામીને ગંભીરતાથી લેતા ખેલાડીઓ પર આકરો આર્થિક દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.
ખેલાડીઓ પર આકરો આર્થિક દંડ
ટી20 વિશ્વ કપ 2026માં ખરાબ પ્રદર્શનનો ભોગ હવે પાકિસ્તાની ખેલાડીઓએ સીધો પોતાના ખિસ્સા પર ભોગવવો પડશે. મીડિયા અહેવાલો મુજબ, PCB એ ટીમના દરેક ખેલાડી પર 50 લાખ પાકિસ્તાની રૂપિયા (આશરે 16 લાખ ભારતીય રૂપિયા) નો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ ખેલાડીઓના પગાર અથવા મેચ ફીમાંથી કાપી લેવામાં આવશે.
ભારત સામેની હાર અને નકવીનો રોષ
ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા પાકિસ્તાને ભારત સાથેની મેચના બહિષ્કાર અંગે ઘણું નાટક કર્યું હતું, પરંતુ અંતે હારનો સામનો કરવો પડતા પીસીબી ચીફ નકવીની ભારે મજાક ઉડી હતી. ભારત સામે ગ્રુપ સ્ટેજમાં મળેલી 61 રનની કરારી હાર બાદ બોર્ડ ખેલાડીઓ પર અત્યંત રોષે ભરાયું છે. સતત ચોથી આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.
ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનું કથળેલું પ્રદર્શન
પાકિસ્તાને તેની મેચો શ્રીલંકાના ઘરેલું જેવા વાતાવરણમાં રમી હોવા છતાં તેનો ફાયદો ઉઠાવી શક્યું નહોતું. નેધરલેન્ડ અને અમેરિકા સામે માંડ જીત મેળવ્યા બાદ ભારત સામે હાર થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. સુપર-8 માં ઈંગ્લેન્ડ સામે હાર અને ખરાબ નેટ રન રેટના કારણે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

Leave a Reply