અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના મહેંદી સેરેમનીના વીડિયો વાઈરલ, સચિનની લાડલીએ ખેંચ્યું ધ્યાન
Updated: Mar 3rd, 2026
GS TEAM

Arjun Saaniya Wedding function: ક્રિકેટ જગતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન 5 માર્ચે સાનિયા ચંડોક સાથે લગ્નગ્રંથિથી બંધાશે. 3 માર્ચ એટલે કે આજથી લગ્નની વિધિઓ અને કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. હાલ આ સ્ટાર કપલની મહેંદી સેરેમનીના વીડિયો સામે આવ્યા છે, જે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. લોકો અર્જુન-સાનિયાની જોડી સાથે બહેન સારાના લૂકને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
મહેંદી સેરેમનીમાં કોણ કોણ આવ્યું?
આ સમારોહમાં તેંડુલકર અને ચંડોક બંને પરિવારો ખૂબ સજીધજીને આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ, ઝાહીર ખાન, ઈરફાન પઠાણ, રવિ શાસ્ત્રી, અજીત અગરકર પણ આ સમારોહમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે, હાલમાં જ સચિન તેંડુલકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણીઓને લગ્નમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.
સચિનની સ્પીચ
આ પહેલા પ્રિ-વેડિંગ ફંક્શનમાં સચિન તેંડુલકરે સ્પીચ આપતા કહ્યું હતું કે, ‘જ્યારે દીકરો કોઈ છોકરીને ઘરે લઈ આવે છે, પરિચય કરાવવા માટે, ત્યારે તમને ખબર પડે છે કે દીકરો મોટો થઈ ગયો છે. આ બંને એકબીજાના પ્રેમમાં પાગલ દેખાઈ રહ્યા છે. અર્જુન, હું કહેવા માંગુ છું કે મને તારા પર ગર્વ છે કે તને કોઈ એટલું ખાસ મળ્યું છે, જે તને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું તેને પ્રેમ કરે છે.’
કોણ છે સાનિયા ચંડોક?
સાનિયા ચંડોક જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. તે તે એક ક્વોલિફાય પશુચિકિત્સા ટેકનિશિયન પણ છે. લગ્નની વિધિઓ આજ 3 માર્ચથી શરૂ થઈ છે, કપલ 5 માર્ચે લગ્ન કરશે. ઓગસ્ટ 2025માં અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ હતી. અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (લો-કેલરીવાળી આઈસ્ક્રીમ બ્રાન્ડ)ના માલિક છે.
અર્જુન તેંડુલકરનું ક્રિકેટ કરિયર
અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51ની સરેરાશથી 37 વિકેટ ઝડપી છે. જ્યારે 23.13ની એવરેજથી 532 રન બનાવ્યા. ત્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં અર્જુનના નામે 25 વિકેટ (31.2ની સરેરાશ) અને 102 રન (17ની સરેરાશ) નોંધાયા છે.
અર્જુન તેંડુલકરનો શું છે IPL રેકોર્ડ?
ટી20 ક્રિકેટમાં 25 વર્ષના અર્જુન તેંડુલકરે 25.07ની સરેરાશથી 27 વિકેટ ઝડપી છે. સાથે જ 13.22ની સરેરાશથી 119 રન બનાવ્યા છે. અર્જુન ઘરેલૂ ક્રિકેટમાં ગોવાની ટીમનો ભાગ છે. આ અગાઉ તે મુંબઈ માટે રમતો હતો. જોવામાં આવે તો અર્જુને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાંથી તેમના નામે 3 વિકેટ અને 13 રન નોંધાયેલા છે.
તેંડુલકર પરિવાર અંગે માહિતી
સચિન તેંડુલકરના લગ્ન 24 મે, 1995ના રોજ અંજલિ તેંડુલકર સાથે થયા હતા, જે સચિન તેંડુલકરથી ઉંમરમાં 6 વર્ષ મોટા છે. અંજલિ તેંડુલકર બાળ રોગ નિષ્ણાંત રહી ચૂક્યા છે. સચિન-અંજલિની લાલડી સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો. પછી 24 સપ્ટેમ્બર 1999ના રોજ અર્જુન તેંડુલકરનો જન્મ થયો હતો.

Leave a Reply