યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ, કોચે કહ્યું- ‘બસ હવે ઘરે જવું છે’
Updated: Mar 5th, 2026
GS TEAM

West Indies Team Stranded In India : યુદ્ધની અસર હવે ક્રિકેટ પર દેખાઈ છે. જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026થી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ફસાઈ છે. સુપર-8માં વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલકાતામાં મેચ રમાઈ હતી. જેમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને તરત સ્વદેશ પરત જવાનુ હતું, પરંતુ પશ્ચિમ એશિયામાં ભારી સૈન્ય તણાવની અસર પડી હતી. આ મામલે વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચે કહ્યું કે, ‘બસ હવે ઘરે જવું છે…’
ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ
વેસ્ટ ઈન્ડિઝ ટીમના હેડ કોચ ડેરેન સૈમીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં સૈમીએ લખ્યું કે, ‘હું ઘરે જવા માંગુ છું. એક અપડેટ્સ તો આપો, કાંઈક તો જણાવો. આજે, કાલે કે આગામી અઠવાડિયે. પાંચ દિવસ થઈ ગયા છે.’ જો કે, સૈમીને સ્વદેશ જવા મામલે અપડેટ મળતાં અંતે તેઓએ રાહતના શ્વાસ લીધા હતા.
પશ્ચિમ એશિયામાં ભારી સૈન્ય તણાવની અસર
દુબઈ એરપોર્ટ બંધ થવાથી અને પશ્ચિમ એશિયાના ઘણા ભાગોમાં એરસ્પેસ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હજારો ફ્લાઇટ્સ રદ થવાથી ટ્રાન્ઝિટ રૂટ્સ પર ભારે અસર પડી છે, જેના કારણે કેરેબિયન ટીમના ઘરે પાછા ફરવામાં અવરોધ ઉભો થયો છે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પણ આવી જ મુશ્કેલીમાં ફસાઈ હતી. જો કે, ICC ક્રિકેટ કાઉન્સિલે તેઓની મુસાફરીની વ્યવસ્થા કરી હતી. દુબઈ થઈને અમીરાતની ફ્લાઇટ રદ થયા બાદ, ઝિમ્બાબ્વેના ખેલાડીઓને હવે આદિસ અબાબા (ઇથોપિયા) થઈને હરારે મોકલવામાં આવી રહ્યા છે. ખેલાડીઓ બે બેચમાં પરત ફરી રહ્યા છે. પહેલું જૂથ પહેલાથી જ રવાના થઈ ગયું છે, અને અંતિમ જૂથ શુક્રવારે રવાના થશે.
આ પણ વાંચો: ‘હાર તમાચા સમાન…’ T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કારમા પરાજય બાદ દ.આફ્રિકાના કેપ્ટનનું દર્દ છલકાયું
આમ, ઝિમ્બાબ્વેની ટીમને વૈકલ્પિક રસ્તો મળ્યો, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ અટવાઈ છે. ડેરેન સૈમી અને અન્ય ખેલાડીઓ માટે આ સ્થિતિ માનસિક અને લોડિસ્ટિક બંને સ્તરે પડકારરૂપ છે. T20 વર્લ્ડ કપની સફર પૂર્ણ થઈ પરંતુ ઘરે પરત ફરવાની જંગ હજુ ચાલુ હોય તેવુ લાગી રહ્યું છે.

Leave a Reply