J&K Team Meets Jay Shah : જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઇતિહાસ રચી દીધો છે. ઐતિહાસિક જીતને લઈને જમ્મુ-કાશ્મીર રણજી ટીમના સદસ્યોએ આઇસીસી ચેરમેન જય શાહની મુલાકાત લીધી છે અને જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ મિટિંગમાં ટીમની પ્રગતિ તથા ઘરેલુ ક્રિકેટમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ માટે વધતી તકો વિશે ચર્ચા કરાઈ હતી.
રણજી ટ્રોફીમાં ચમક્યા બાદ જય શાહને મળવા પહોંચી જમ્મુ-કાશ્મીરની ટીમ
આ દરમિયાન ટીમે વહીવટી સપોર્ટ અને પહેલ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જેનાથી જમ્મુ-કાશ્મીરમાં યુવા ક્રિકેટર્સ માટે ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં મદદ મળી છે. મહત્ત્વપૂર્ણ છે કે, રણજી ટ્રોફીમાં ટીમના પ્રભાવી પરફોર્મન્સથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટે સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
આઇસીસી ચેરમેન જય શાહે ટીમના પ્રયાસો અને પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. તેઓએ નોંધ્યું હતું કે, તેમની પ્રગતિ આ પ્રદેશમાં મૂળભૂત ક્રિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણના સારા પરિણામો સૂચવે છે.
આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું જમ્મુ-કાશ્મીર, કર્ણાટકને હરાવી પ્રથમવાર વિજેતા બની રચ્યો ઈતિહાસ
જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની મેચ પ્રથમ ઇનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઇનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઇનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરાએ ઇનિંગ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કૅપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

Leave a Reply