IND vs ENG : ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

Home » Latest Update » IND vs ENG : ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર
ind-vs-eng-:-ભારતની-ફાઈનલમાં-એન્ટ્રી,-ઈંગ્લેન્ડને-7-રને-હરાવ્યું,-હવે-8મી-માર્ચે-ન્યૂઝીલેન્ડ-સામે-ટક્કર

T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શકી હતી. આજની મેચ સંજૂ સેમસને ફરી વિસ્ફોટ ઈનિંગ રમી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે મિડલમાં આવેલા હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને તિલક વર્માએ પણ દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તો ઈંગ્લેન્ડ તરફથી જેકોબ બેથેલે વિસ્ફોટક બેટિંગ કરીને 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન નોંધાવ્યા હતા.

IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર 2 - image

સંજૂની ફિફ્ટી, હાર્દિક-દુબે-તિલકની દમદાર બેટિંગ

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. અભિષેક શર્માએ 7 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સના સહારે 39 રનનું યોગદાન આપ્યું હતું. શિવમ દુબેએ 25 બોલમાં 1 ફોર અને 4 સિક્સ ફટકારી 43 રન બનાવ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 1 સિક્સ સાથે 11 રન કર્યા હતા. મધ્યક્રમમાં હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 27 રન તથા તિલક વર્માએ માત્ર 7 બોલમાં 3 સિક્સ સાથે 21 રન ફટકારી સ્કોરને મજબૂતી આપી હતી. અંતમાં અક્ષર પટેલે 2 બોલમાં 2 રન અને વરૂણ ચક્રવર્તીએ 1 બોલમાં 0 રન બનાવી અણનમ રહ્યા હતા.

IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર 3 - image

જોફ્રા આર્ચર ખર્ચાળ બોલર સાબિત થયો

ઈંગ્લેન્ડના બોલર આદિલ રાશિદે 41 રન આપીને બે વિકેટ અને વિલ જેક્સે 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 61 રન આપીને 1 વિકેટ મેળવી હતી, જે આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન આપનાર બોલર રહ્યો હતો. અન્ય બોલરોમાં જેમી ઓવર્ટને 3 ઓવરમાં 36 રન અને સેમ કરને 4 ઓવરમાં 53 રન આપ્યા હતા, પરંતુ આ બંનેમાંથી કોઈને વિકેટ મળી નહોતી. લિયામ ડોસને માત્ર 1 ઓવર ફેંકી હતી જેમાં તેણે 19 રન આપ્યા હતા.

IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર 4 - image

ઈંગ્લેડ તરફથી એકમાત્ર જેકોબ બેથેલની ફિફ્ટી

ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટે ત્રણ બોલમાં એક ફોરની મદદથી 5 રન, જોશ બટલરે 17 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 25 રન, સુકાની હેરી બ્રુકે છ બોલમાં એક ફોર સાથે સાત રન, જેકોબ બેથેલે 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન, ટોમ બાન્ટને પાંચ બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 17 રન, વિલ જેક્સે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 35 રન, સેમ કરને 14 બોલમાં બે ફોર સાથે 18 રન નોંધાવ્યા છે.

IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર 5 - image

હાર્દિક પંડ્યાની બે વિકેટ

ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ, જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ, વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 64 રન આપીને એક વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ અને અક્ષર પટેલે ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે મેચની છેલ્લી ઓવર નાખનાર શિવમ દુબેએ એક ઓવરમાં 22 રન આપ્યા હતા.

IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર 6 - image

અક્ષર પટેલની ખતરનાક ફિલ્ડિંગ, બાઉન્ડ્રી લાઈન પર કર્યો જબરદસ્ત કેચ

બીજી સેમિફાઈનલમાં અક્ષર પટેલે પોતાની ફિલ્ડિંગથી અદભૂત પ્રદર્શન કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. ખાસ કરીને 13.6 ઓવરમાં તેણે વિલ જેક્સનો જે કેચ કરાવ્યો તે અત્યંત આશ્ચર્યજનક હતો. અર્શદીપ સિંહની બોલિંગમાં જ્યારે જેક્સે સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો ત્યારે અક્ષર પટેલે બાઉન્ડ્રી લાઈન પર દોડીને હવામાં ઉછળી બોલને પકડ્યો હતો. સંતુલન ગુમાવતા હોવા છતાં તેણે બાઉન્ડ્રી બહાર પડતા પહેલા બોલ શિવમ દુબે તરફ ફેંક્યો અને અશક્ય લાગતો કેચ કરાવ્યો હતો. આ ઉપરાંત અક્ષરે મેચની શરૂઆતમાં જ ફિલ સોલ્ટ અને ત્યારબાદ ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુકના શાનદાર કેચ પકડીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ અક્ષરની આ મેજિકલ ફિલ્ડિંગના મન ભરીને વખાણ કરી રહ્યા છે.

સંજૂ સેમસને ટીમને સેમિ-ફાઈનલ બાદ ફાઈનલમાં પણ પહોંચાડી

ઓપનિંગમાં આવેલા સંજુ સેમસને ઈંગ્લેન્ડ સામેની મેચમાં વિસ્ફોટ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકી છે. તેણે આક્રમક બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી સૌથી વધુ 89 રન ફટકાર્યા છે. આ પહેલા સુપર-8ની મેચમાં સંજૂએ અણનમ 97 રન નોંધાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા સેમિ-ફાઈનલ સુધી પહોંચી શકી છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજી સેમિ ફાઈનલ

આ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ છે. અગાઉ બંને દેશો 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું હતુ. આ પછી બંને દેશો વચ્ચે 27મી જુન, 2024ના રોજ વિન્ડિઝના પ્રોવિડેન્સમાં ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટક્કર થઈ હતી અને તેમાં ભારત 68 રનથી જીત્યું હતુ. 

ભારત 2007-2024માં ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું હતું

ટીમ ઈન્ડિયા 2007 અને 2024ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી, જ્યારે 2014માં ભારતને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. વર્તમાન સ્થિતિ મુજબ ટીમ ઈન્ડિયાનો બેટિંગ પાવર મજબૂત છે, જ્યારે બોલિંગ પાવરમાં અનેક નબળાઈઓ સામે આવી છે. જ્યારે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને બેટિંગ અને બોલિંગ પાવર મજબૂત જોવા મળ્યો છે. વર્લ્ડકપ-2026ની ગ્રૂપ મેચોમાં ભારતે ચારમાંથી ચાર તો ઈંગ્લેન્ડે ચારમાંથી ત્રણ મેચો જીતી છે, જ્યારે સુપર-8ના તબક્કામાં ભારતે ભારતે ત્રણમાંથી બે અને ઈંગ્લેન્ડે ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે.

આ પણ વાંચો : VIDEO : અક્ષર પટેલની અદભૂત ફિલ્ડિંગ : બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો

ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે મજબૂત

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં આજની મેચ સહિત કુલ 30 મેચો રમાઈ છે, જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે કુલ 18 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડના ફાળે 12 જીત આવી છે. સ્થળ મુજબના વિશ્લેષણ પર નજર કરીએ તો, ભારતમાં રમાયેલી 17 મેચોમાંથી ભારતે 11 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 6 મેચમાં વિજય મેળવ્યો છે. ઈંગ્લેન્ડના મેદાન પર રમાયેલી 9 મેચોમાંથી ભારતે 4 અને ઈંગ્લેન્ડે 5 મેચ જીતી છે. તટસ્થ મેદાનો પર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યાં 4માંથી 3 મેચ ભારતે જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. સમગ્ર રીતે જોતા, આ ડેટા સૂચવે છે કે ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે ખાસ કરીને ઘરેલું અને તટસ્થ મેદાનો પર વધુ મજબૂત રહ્યું છે.

ભારત-ઈંગ્લેન્ડની ટીમમાં કોણ કોણ સામેલ

ભારતીય ટીમ : સંજુ સેમસન (વિકેટ કીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી

ઈંગ્લેન્ડની ટીમ : ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટ કીપર), હેરી બ્રૂક (સુકાની), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, વિલ જેક્સ, સેમ કરન, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ

હવે 8મી માર્ચે ફાઈનલમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર

આ પહેલા પ્રથમ સેમીફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને તોફાની બેટિંગ કરતા માત્ર ૩૩ બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા, જે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદી બની ગઈ છે. પ્રથમ સેમિ ફાઈનલ જીતનાર ન્યૂઝીલેન્ડ તો બીજી સેમિ ફાઈનલ જીતનાર ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે.

આ પણ વાંચો : IND vs ENG : ટી20 વર્લ્ડકપ-2026માં સૂર્યકુમાર યાદવે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

Leave a Reply

Your email address will not be published.