કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો
Updated: Apr 25th, 2026
GS TEAM

Image Source: Twitter
New Zealand’s Cricketer Doug Bracewell: ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ (Doug Bracewell) ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. સપ્ટેમ્બર 2025માં થયેલા રુટીન ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ હવે તેના પર બે વર્ષનો બૅન લગાવી દેવામાં આવ્યો છે. આ સસ્પેન્શન 24 નવેમ્બર, 2025થી અમલમાં માનવામાં આવે છે અને 23 નવેમ્બર, 2027 સુધી ચાલુ રહેશે.
કોકેઈનનું સેવન કર્યું હોવાની કબૂલાત
બ્રેસવેલે ડિસેમ્બર 2025માં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા જ તેનો કેસ સામે આવી ચૂક્યો હતો. તેણે ચેમ્સફોર્ડમાં એસેક્સ અને સમરસેટ વચ્ચે રમાયેલી એસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ દરમિયાન કોકેઈનનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી હતી.
મેચના થોડા કલાકો પહેલા પ્રતિબંધિત પદાર્થનું સેવન
પ્રાપ્ત માહિતી પ્રમાણે બ્રેસવેલે પ્રથમ દિવસની રમત પછી અને બીજા દિવસની રમતના થોડા કલાકો પહેલા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. આમ છતાં તેણે મેચમાં ભાગ લીધો હતો. પ્રથમ ઈનિંગમાં બે વિકેટ લીધી, બેટિંગમાં 18 બોલ સુધી ખાતું નહોતો ખોલી શક્યો અને બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપી. આ મેચમાં એસેક્સે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.
ઈંગ્લેન્ડના ક્રિકેટ નિયમનકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને બ્રેસવેલ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. એસેક્સે પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, ક્લબ આ નિર્ણયને સમર્થન કરે છે.
ક્લબે સ્પષ્ટ કર્યું કે તમામ ખેલાડીઓ પાસેથી પ્રોફેશનલ આચરણના ઉચ્ચતમ ધોરણોની અપેક્ષા રાખવામાં આવે છે, જોકે તેઓએ એમ પણ કહ્યું કે, ‘અમે બ્રેસવેલને રિહેબિલિટેશનમાં સપોર્ટ કરીશું.’
અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે બ્રેસવેલ
બ્રેસવેલનો આ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ તેનો રેકોર્ડ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2014માં તેણે ન્યુઝીલેન્ડની T20 ઈવેન્ટ સુપર સ્મેશ દરમિયાન કોકેઈન ટેસ્ટમાં ફેલ થવા બદલ એક મહિનાનો પ્રતિબંધ ભોગવી ચૂક્યો છે. તેને 2017માં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ત્યાં તેને 100 કલાકની કમ્યુનિટી સર્વિસની સજા મળી હતી. તે સમયે તેની કારમાં દારૂનું પ્રમાણ માન્ય મર્યાદા કરતા ત્રણ ગણું હતું. 2012માં નેપિયર બારમાં ઝઘડાના કારણે તેને એક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેની સાથે જેસી રાયડર પણ હાજર હતો.
આ પણ વાંચો: મરજીથી ત્યાં ગયા હતા…, રશિયામાં ભારતના 10 યુવાનોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ
બ્રેસવેલનું કરિયર જ્યાં મેદાન પરના પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મેદાનની ઓફ-ફીલ્ડ વિવાદોએ પણ તેને સતત હેડલાઈન્સમાં રાખ્યો છે. હવે આ નવો પ્રતિબંધ તેના કરિયરના અંત પર વધુ એક મોટો ડાઘ બનીને સામે આવ્યો છે.

Leave a Reply