PNB ના હજારો કરોડના કૌભાંડમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સંયુક્ત અપીલના આધારે કરવામાં આવી છે.
4 જુલાઈએ થઈ ધરપકડ, હવે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 4 જુલાઈ, 2025ના રોજ નેહલ મોદીની ધરપકડ કરી હતી. ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે તેના પ્રત્યાર્પણ માટે કાનૂની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરા આરોપો હેઠળ કાર્યવાહી
નેહલ મોદી પર આરોપ છે કે તેણે પોતાના ભાઈ નીરવ મોદીને કૌભાંડમાંથી કમાયેલા કાળાં નાણાંને સફેદ કરવામાં મદદ કરી હતી. ED અનુસાર, નેહલ મોદીએ શેલ કંપનીઓ અને વિદેશી ટ્રાન્ઝેક્શન્સનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણીને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (PMLA), 2002ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો આરોપ મૂકાયો છે. ઉપરાંત, ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને કલમ 201 (પુરાવાનો નાશ) હેઠળ પણ ગુના નોંધવામાં આવ્યો છે.
17 જુલાઈએ નેહલ મોદીની સુનાવણી
નેહલ મોદીની પ્રત્યાર્પણ સંબંધિત કોર્ટ સુનાવણી 17 જુલાઈ, 2025ના રોજ નક્કી કરાઈ છે. આ દરમિયાન તે જામીન માટે અરજી કરી શકે છે.

Leave a Reply