ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’

ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’
  • બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ

ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ સામાન્ય ડેમ નહીં, પણ ભારત માટે ‘વોટર બોમ્બ’ સાબિત થઈ શકે છે.”

‘ચીન વિશ્વાસપાત્ર નથી, કોઈ પણ સમયે પાણી છોડી દેશે’ – પેમા ખાંડૂ

પેમા ખાંડૂએ સ્પષ્ટ રીતે કહ્યું કે, ચીનનો આ ડેમ કોઈ આંતરરાષ્ટ્રીય જળ સંધિનો ભાગ નથી અને તેની કામગીરી અંગે કોઈ માહિતી શેર કરવામાં આવતી નથી. તેમણે કહ્યું કે, “જો ચીને અચાનક પાણી છોડ્યું, તો સિયાંગ નદી અને સમગ્ર અરૂણાચલ પ્રદેશમાં વિનાશકારી પૂર આવી શકે છે. તેની અસર આસામ અને બાંગ્લાદેશ સુધી પણ પહોંચી શકે છે.” તેમણે ચીન પર વિશ્વાસ ન કરી શકાય તેવાં ઘણા પૂર્વ ઈતિહાસોને સંદર્ભ આપતાં કહ્યું કે, ભારત સરકારે સિયાંગ ઉપર પોતાનો ‘અપર બહુહેતુક પ્રોજેક્ટ’ તૈયાર કરવો જોઈએ, જેથી પાણીના સંગ્રહ અને સુરક્ષાની દ્રષ્ટિએ ભવિષ્યમાં પગલાં લઈ શકાય.

ક્યાં બનશે વિશ્વનો સૌથી મોટો ડેમ?

  • ચીન તિબેટના પૂર્વી વિસ્તારમાં યારલુંગ જાંગ્બો નદી પર 6561 ફૂટની ઊંચાઈએ ડેમનું નિર્માણ કરી રહ્યું છે.
  • વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ થ્રી ગોર્જેસ ડેમ છે, પણ ચીનનો નવા ડેમથી ત્રણ ગણું વધુ વીજ ઉત્પાદન થશે (300 બિલિયન કિલોવોટ).
  • ડેમ માટે અંદાજિત ખર્ચ 34.83 અબજ ડોલર છે અને લગભગ 14 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે.
  • ચીનના કહેવા મુજબ, આ ડેમ દેશમાં કાર્બન ન્યુટ્રેલિટીના લક્ષ્યો હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વિનાશક શસ્ત્ર સમાન ‘ડેમ બોમ્બ’ – ચીનનો નવો પેંતરો?

  • ચીન બ્રહ્મપુત્રાની ઉપરવટમાં પાણી રોકી શકશે અને જો તે અચાનક છોડે તો ઉત્તરપૂર્વ ભારતમાં વિનાશક પૂર આવી શકે છે.
  • ભારત સાથે યુદ્ધ કે તણાવની પરિસ્થિતિમાં આ ડેમ પાણી છોડીને અસંખ્ય નાગરિક વિસ્તારોને અસર કરી શકે છે.
  • અમેરિકા સહિતના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચીનનો આ ‘સુપર ડેમ’ ભવિષ્યમાં ભારત સામે સામરિક હથિયાર તરીકે પણ વપરાઈ શકે છે.
  • એક નિષ્ણાતે કહ્યું કે, “50 પરમાણુ બોમ્બ પણ જે નુકસાન ન કરી શકે, એ એક ‘વોટર બોમ્બ’થી થઈ શકે છે.”

કેન્દ્ર સરકારની સ્થિતિ અને પગલાં

કેન્દ્ર સરકારે માર્ચ 2025માં જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રા નદી સંબંધિત ચીનની તમામ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે અને દેશહિતમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મોનિટરિંગ અને કુદરતી સંકટથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ અને સ્થાનિક આયોજન બંને જરૂરી બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published.