ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની વિવાદાસ્પદ ભૂમિકાનું એક ઓડિયો રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં વાયરલ થઈ રહ્યું છે. એક ઉચ્ચ સ્તરીય મીડિયા તપાસમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન શેખ હસીનાએ સુરક્ષા દળોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.
લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગ અનુસાર, 18 જુલાઈ 2024ની રાત્રે, શેખ હસીનાએ ઢાકામાં તેમના સત્તાવાર નિવાસ ‘ગણભવન’ પરથી ફોન પર એક વરિષ્ઠ અધિકારીને આદેશ આપ્યો હતો:
“જ્યાં જુઓ ત્યાં ગોળી મારી દો. જે હથિયારની જરૂર હોય તેનો ઉપયોગ કરો.”
વિદ્યાર્થી આંદોલન: ક્વોટા વિવાદે સર્જાયો તણાવ
આ આંદોલન બાંગ્લાદેશ સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમના વિસ્તરણના નિર્ણય સામે શરૂ થયું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે સરકારની નીતિ મેરિટ આધારિત ઉમેદવારો સાથે અન્યાય કરતી હતી અને રાજકીય અથવા જાતિ આધારિત અનામતને વળગાડી રહી હતી. આ મુદ્દે અગાઉ પણ 2018માં પ્રદર્શન થયા હતા, પરંતુ 2024માં આંદોલનનો પ્રભાવ ઘણો વધુ ઉગ્ર અને વ્યાપક રહ્યો. દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માનવાધિકાર કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા હતા.
લશ્કરી દળોનું દમન, 1400થી વધુ લોકોના મોત
આ ઓડિયો રેકોર્ડિંગમાં ઉલ્લેખિત તારીખ, 18 જુલાઈની રાત્રે, તાત્કાલિક અસરથી યુનિવર્સિટી વિસ્તારોમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પર લશ્કરી ગ્રેડના હથિયારો વડે ગોળીબાર કરાયો હતો.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય મુજબ, જુલાઈથી ઓગસ્ટ 2024 વચ્ચે 1400થી વધુ લોકોના મોત થયા, અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વૈશ્વિક સ્તરે ચિંતા, આંતરરાષ્ટ્રીય તપાસની માંગ
આ ઘટનાને કારણે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિત અનેક માનવાધિકાર સંગઠનોએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે અને સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની માંગ ઉઠાવી છે.
બીજી તરફ, શેખ હસીના બાંગ્લાદેશ છોડીને બહાર ચાલી ગયા હોવાની અફવાઓ વચ્ચે ઓડિયોની લિક થવાની ટાઈમિંગ પણ ચર્ચાનો વિષય બની હી છે.

Leave a Reply