બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ

બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે.

કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી

ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી કેનેડાથી આયાત થતા ઉત્પાદનો પર 35 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. તેમણે કેનેડા માટે ઓપન લેટર પણ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે કેનેડા અમેરિકાના ડેરી ઉત્પાદકો પર 400 ટકા સુધીનો ટેક્સ લગાવે છે, જે અન્યાયપૂર્ણ છે. ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકાની વેપાર નીતિ નિયમો સાથે ચાલશે.

આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે જો કેનેડા વળતો પ્રહાર કરીને પોતે પણ ટેરિફ લગાવશે, તો અમેરિકા તેનાથી વધુ ઉંચો ટેરિફ દર લાગુ કરશે.

બ્રાઝિલને પણ મોટો આંચકો

ટ્રમ્પે એક દિવસ પહેલાં જ બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા પર 30 ટકા, બ્રુનેઈ અને મોલ્ડોવા પર 25 ટકા તથા ફિલિપાઈન્સ પર 20 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય પણ કર્યો છે. આ તમામ નવા ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આ પગલાની નિંદા કરતા કહ્યું છે કે બ્રાઝિલ આર્થિક બદલો લેશે. તેમણે ટ્રમ્પના એ નિવેદનનો પણ વિરોધ કર્યો જેમાં ટ્રમ્પે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો વિરુદ્ધ ચાલી રહેલા કેસોનો ઉલ્લેખ કર્યો હતો. લૂલાએ કહ્યું કે બ્રાઝિલનું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે અને કોઈ બાહ્ય દબાણ કે ધમકી સહન નહીં કરે.

BRICS દેશોને પણ ચેતવણી

ટ્રમ્પે BRICS દેશો — ભારત, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ — માટે પણ ખાસ ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો આ તમામ દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પે મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઈન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા અને થાઈલેન્ડ પર પણ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિઓને કારણે વૈશ્વિક વેપાર તણાવમાં વધારો થયો છે. અનેક દેશો તરફથી જવાબી પગલાં લેવા અને ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવવા ઈશારા મળ્યા છે. હવે જોવાનું રહ્યું કે ટ્રમ્પની આ નીતિઓને વિશ્વ કોમ્યુનિટી કેવી રીતે પ્રતિસાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published.