ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ઓડિશાના પુરી જિલ્લામાંથી એક હૃદયવિદારી અને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ બદમાશોએ 15 વર્ષની એક સગીરાને જીવતા સળગાવવાનો બર્બર પ્રયાસ કર્યો. ઘટના શનિવારે બયાબર ગામના રસ્તે બની હતી, જ્યારે છોકરી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે ત્રણે આરોપીઓએ રસ્તો રોક્યો અને તેના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. ઘટના બાદ તાત્કાલિક રીતે ગંભીર હાલતમાં થયેલી પીડિતાને એમ્સ, ભુવનેશ્વર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તે 70 ટકા સળગેલી હાલતમાં સારવાર હેઠળ છે. ડોક્ટરો મુજબ તેની હાલત અત્યંત નાજુક છે.

આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

આ ઘાતકી ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પુરી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ધરપકડ માટે ખાસ ટીમ તૈનાત કરી છે.

સરકાર કરશે સારવારનો સંપૂર્ણ ખર્ચ: ડેપ્યુટી CM

ઘટનાને લઈ રાજ્યના ઉપમુખ્યમંત્રી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પ્રવતી પરિડાએ આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે:

હું દુઃખી અને સ્તબ્ધ છું કે પુરીના બાલંગા વિસ્તારમાં અસામાજિક તત્વોએ 15 વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો. પીડિતાનું તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. સરકાર તેના ઈલાજનો તમામ ખર્ચ ઉપાડશે.

મહિલા સુરક્ષા મુદ્દે ફરી ઉઠ્યાં પ્રશ્નચિહ્નો

આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક પીડા અને રોષના માહોલ વચ્ચે લોકો આરોપીઓને ઝડપથી પકડીને કડકથી કડક સજા કરવાની માગ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.