હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં એક અનોખા લગ્ન સમારોહે દેશભરમાં ચર્ચા જગાવી છે. અહીંના પ્રદીપ નેગી અને કપિલ નેગી નામના બે સગા ભાઈઓએ નજીકના કુનહાટ ગામની યુવતી સુનિતા ચૌહાણ સાથે એકસાથે લગ્ન કર્યા છે. આ લગ્ન હાટી સમુદાયની પુરૂષ સહપત્ની પ્રથા (Fraternal Polyandry) પર આધારિત છે, જ્યાં એકથી વધુ ભાઈઓ એક જ પત્ની સાથે લગ્ન કરે છે.
કટુંબ, પરંપરા અને સંમતિનું અનોખું સંયોજન
પ્રદીપ નેગી રાજ્યના જલ શક્તિ વિભાગમાં છે અને તેનો ભાઈ કપિલ નેગી વિદેશમાં હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે કહ્યું કે આ નિર્ણય બંનેનો સંયુક્ત હતો અને તેમને તેમના મૂળ તથા પરંપરાઓ પર ગર્વ છે. દુલ્હન સુનિતાએ પણ જણાવ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે તેની ઈચ્છા પર આધારિત છે અને તેની પર કોઈ દબાણ નહોતું.
ઘણા ગામોમાં છે આવી પરંપરા
હાટી સમુદાયમાં આવા લગ્નો સામાન્ય રીતે શાંતિથી અને ખાનગી રીતે થાય છે, પરંતુ આ વખતનો સમારોહ ખુલ્લેઆમ, ઉત્સાહપૂર્વક અને સમાજની હાજરીમાં ઉજવાયો. ત્રણ દિવસ ચાલેલા સમારોહમાં લોકસંગીત, નૃત્ય અને પરંપરાગત વાનગીઓથી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી.
શા માટે અસ્તિત્વમાં આવી પરંપરા?
ટ્રાન્સ-ગિરી ક્ષેત્રમાં આવેલા સમાજોમાં ભૂમિ વિભાજનથી બચવા, કુટુંબમાં એકતા જાળવવા અને મહિલાઓને વિધવા થવાથી બચાવવા માટે આવી પરંપરાઓનો પ્રારંભ થયો હતો. હમણાં હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો મળતા આવી પરંપરાઓ અંગે વધુ ખુલાસો થઈ રહ્યો છે.

Leave a Reply