ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપતી વખતે તેમણે બંધારણની કલમ 67 (A) નો ઉલ્લેખ કર્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું હતું કે:
“આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.”
તેમણે રાષ્ટ્રપતિનો આભાર માનતા કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે તેમનો સુમેળભર્યો અને અદ્ભુત કાર્યકાળ રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તથા મંત્રીમંડળના સહયોગ બદલ પણ તેમણે દિલથી આભાર વ્યક્ત કર્યો.

રાજકીય કારકિર્દી અને પ્રષ્ઠભૂમિ
જગદીપ ધનખડ વર્ષ 2022માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તે પહેલાં તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ (2019-2022) તરીકે સેવા આપી હતી. વર્ષ 1990માં ચંદ્રશેખર સરકારે તેમને સંસદીય બાબતોના રાજ્યમંત્રી બનાવ્યા હતા. તેઓ લોકસભા અને રાજસ્થાન વિધાનસભાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ જેવી વિવિધ પાર્ટીઓ સાથે કામ કર્યું છે.
વ્યક્તિગત જીવન અને શિક્ષણ
જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના કિથાણા ગામમાં થયો હતો. તેમણે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી બી.એસસી અને એલએલબીની ડિગ્રી મેળવી હતી.

Leave a Reply