સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો”

સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો”

સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી.

અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ખેંચવામાં આવ્યા હતા. વકીલોના સંગઠને આ કાર્યવાહીના વિરોધમાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને દખલ આપવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ વકીલ અને અસીલ વચ્ચે થયેલા સંવાદને આધારે ED કે પોલીસ સમન્સ જાહેર કરી શકે નહીં.

અટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સમગ્ર એજન્સી વિરુદ્ધ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. તેમ છતાં, કોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે કાયદાકીય સલાહ માટે કોઇ વકીલને સમન્સ મોકલવાનું યોગ્ય નથી.

બીજા કેસમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને મંત્રી બૈરાઠી સુરેશ સામે ઈડીએ સમન્સ બહાર પાડ્યાં હતાં, જેને હાઇકોર્ટે રદ કરી દીધાં હતાં. જ્યારે ED એ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઇન્કાર કરી દીધો.

CJI ગવઇએ સ્પષ્ટ સૂચન આપ્યું કે “અમને મો ખોલવા મજબૂર ન કરશો, નહીં તો ઇડી વિશે બહુ કડક ટિપ્પણી કરવી પડશે. રાજકીય લડાઈ ઈલેક્શનમાં થવી જોઈએ, એજન્સીઓના દબાણથી નહીં.”

અંતે, ઇડીએ પોતાની અપીલ પરત ખેંચી લીધી હતી, અને આ મામલે સુપ્રીમ કોર્ટનો મજબૂત સંદેશ સ્પષ્ટ થઈ ગયો — કે તપાસ એજન્સીઓએ બંધારણીય મર્યાદાઓમાં રહીને કાર્ય કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.