કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ

કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ

કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે.

138 જેટલા અલગ-અલગ સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 606 મહિલાઓ સહિત વિવિધ દેશોના નાગરિકો પકડાયા છે. જેમાં 1,028 ચીની, 693 વિયેતનામી, 366 ઈન્ડોનેશિયન, 101 બાંગ્લાદેશી, 82 થાઈ, 57 કોરિયન, 81 પાકિસ્તાની, 13 નેપાળી અને 4 મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત રશિયા, યુગાંડા, મ્યાનમાર, નાઇજીરીયા અને ફિલિપાઇન્સ જેવા દેશોના લોકો પણ ઝડપાયા છે.

આ દરોડાઓ દરમિયાન અનેક કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, મોબાઇલ ફોન, ડ્રગ્સ, હથિયાર, ચીની અને ભારતીય પોલીસના નકલી યુનિફોર્મ અને ડ્રગ્સ બનાવવાની મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કેટલાક કેસોમાં એક્સ્ટસી પાવડર જેવી નશાયુક્ત દવાઓ પણ મળી છે.

ભારત સરકારે હવે 105 ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગૃહ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારતે નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ કંબોડિયામાં કાર્યરત સાયબર ફ્રોડ રેકેટથી સાવચેત રહે.

Leave a Reply

Your email address will not be published.