ક્યારે સુધરશે બેકાર અધિકારીઓથી ભરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર

ક્યારે સુધરશે બેકાર અધિકારીઓથી ભરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર

શહેરના રસ્તાઓની દયનીય સ્થિતિ સામે ફરીથી વહીવટીતંત્રના દાવાઓની પોલ ખુલીછે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે નવા રોડ બનાવવા અને રિસરફેસિંગ માટે આશરે ₹1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. છતાં માત્ર જૂન-2025 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 838 ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે. આ ખાડાઓના સમારકામ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાં સમસ્યા યથાવત છે.

ભ્રષ્ટાચાર છુપાવવા ‘નવા અખતરા’?

વિકાસના મોટા દાવાઓ કરતા શાસકો રસ્તાઓને “ડસ્ટ ફ્રી રોડ”, “વોલ ટુ વોલ રોડ”, “મોડેલ રોડ”, “પ્લાસ્ટિક રોડ”, “આઈકોનિક રોડ” અને હવે “સિમેન્ટ રોડ” જેવા નામ આપે છે. નવી યોજનાઓ હેઠળ ₹300 કરોડની કિંમતથી સિમેન્ટના રોડ બનાવવાનું આયોજન છે. વિપક્ષના નેતાઓના મતે, આ બધું માત્ર પ્રજાના નાણાંની બરબાદી છે અને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ છે.

તંત્રની સી.આર.એસ. સિસ્ટમમાં એક મહિનામાં 5000થી વધુ ફરિયાદો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ઓનલાઈન “કોમ્પ્રિહેન્સિવ રિડ્રેસલ સિસ્ટમ (CRS)” કાર્યરત છે. 1 જૂનથી 30 જૂન 2025 દરમિયાન CRS પર માત્ર રોડ સંબંધિત 5033 ફરિયાદો નોંધાઇ છે. આ સિવાય અનેક ફરિયાદો સીધા AMC ઓફિસે થઈ હશે, જેની કોઈ નોંધ તંત્ર પાસે નથી.

વોર્ડ પ્રમાણે સ્થિતિ

શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડ્યા છે:

  • મણિનગર, લાંભા, વટવા વિસ્તારોમાં: 159 ભૂવા

  • ગોમતીપુર, અમરાઈવાડી: 134 ભૂવા

  • ખાડીયા, જમાલપુર: 97 ભૂવા

  • નરોડા, કુબેરનગર, સૈજપુર: 133 ભૂવા

  • થલતેજ, બોડકદેવ: 89 ભૂવા

  • જોધપુર, બોપલ, સરખેજ: 48 ભૂવા

  • પાલડી, વાસણા, નવાવાડજ, સાબરમતી, રાણીપ: 124 ભૂવા

પ્રજાને ભોગવવી પડે છે હાડમારી, શાસકો મૌન

દર વર્ષે નાગરિકો પ્રોપર્ટી ટેક્સના રૂપમાં આશરે ₹1700 કરોડ AMC ને ચૂકવે છે, પરંતુ તેના બદલે તેમને ખતરનાક રોડ, અકસ્માત અને હાલાકી જ મળે છે. તંત્ર તરફથી ખુલ્લામાં જવાબદારી સ્વીકારવામાં આવતી નથી અને પ્રજાના પ્રશ્નો ઉભા ને ઉભા રહે છે.

શાસકોના વચનોથી પરે AMCના વહીવટમાં વાસ્તવિક સુધારાની જરૂર છે. શહેરના રોડ ખરેખર ‘સ્માર્ટ’ બનશે ત્યારે જ અમદાવાદીઓની મુસાફરી સુરક્ષિત અને આરામદાયક બને તેવી આશા રાખી શકાય.

Leave a Reply

Your email address will not be published.