“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે.

ટેકઓફ પછી બંને એન્જિન બંધ

12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને એન્જિન બંધ થઈ ગયા. એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ સ્થિતિમાં આવ્યા, જેના કારણે વિમાનનું થ્રસ્ટ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું અને વિમાનનું બેલેન્સ બગડી ગયું. થોડા જ પળોમાં વિમાન શહેરની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાઈ ગયું.

કોકપીટની વાતચીતથી ઊભા થયા પ્રશ્નો

વિમાન દુર્ઘટનાની થોડાક પળો પહેલાં પાયલટ્સ વચ્ચેની આશ્ચર્યજનક વાતચીત સામે આવી છે. જેમાં એક પાયલટ બીજાને પૂછે છે:
“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”
જેમના જવાબમાં બીજો પાયલટ કહે છે:
“મેં એવું નથી કર્યું.”

આ વાતચીત ટેકનિકલ ખામી અથવા માનવ મૂંઝવણ તરફ ઈશારો કરે છે.. તપાસમાં જાણવા મળ્યું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) પણ સક્રિય થઈ હતી – જે માત્ર એ સમયે સક્રિય થાય છે જ્યારે બંને એન્જિન ખતમ થઈ જાય.

એક એન્જિન ફરી ચાલુ થયું, પણ…

પાયલટ્સ દ્વારા તાત્કાલિક પગલાં લેતા ફ્યુઅલ સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી હતી. એમાંથી એન્જિન નંબર 2 થોડા સમય માટે ફરી શરૂ થયું પણ એન્જિન 1 શરૂ થઈ શક્યું નહીં. જેથી વિમાન સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી બેઠું.

તપાસ દરમિયાન કોઈ પક્ષી અથડાવાનો પુરાવો નથી મળ્યો, એટલે પક્ષી અથડામણનો મુદ્દો રદ કરાયો છે.

જાનમાલનું ભારે નુકસાન

આ દુર્ઘટનામાં 260 લોકોનું દયનીય મોત થયું હતું. જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો ઉપરાંત નજીકમાં રહેલા 19 નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર

AAIB દ્વારા જાહેર કરાયેલ આ 15 પાનાના અહેવાલમાં માત્ર ટેકનિકલ બાબતો નહીં પણ માનવ ત્રુટિઓ અને કોકપીટના અંતિમ પળોના ડાયલોગ્સ પણ સમાવાયા છે. પરિણામે, આ કેસમાં હવે અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે – શું ખામી ટેકનિકલ હતી કે માનવ ભૂલ?

Leave a Reply

Your email address will not be published.