અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું.
તેમણે જણાવ્યું કે, એરલાઇન્સ અને એરપોર્ટ અધિકારીઓને પીઅર સપોર્ટ ગ્રુપ રચવાની સલાહ આપવામાં આવી છે જેથી માનસિક સ્વાસ્થ્યને લઈને પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ સ્ટાફને સમયસર મદદ મળી શકે. સ્ટેન્ડઅલોન અને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ દ્વારા માનસિક રીતે સહારો આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં, DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) એ એર ઈન્ડિયાને કુલ ચારકારણદર્શક નોટિસ પાઠવી છે. આ નોટિસોમાં છેલ્લા 12 મહિનાના ઓપરેશનલ ભંગ અને તાલીમના ધોરણો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ નિવેદન આપીને જણાવ્યું કે તેઓ આ નોટિસ સ્વીકારે છે અને સમયસર જવાબ આપશે. કંપની મુસાફરો અને ક્રૂની સલામતી પ્રત્યે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં એર ઈન્ડિયા સામે કુલ 13 નોટિસો જારી કરવામાં આવી છે. તાજેતરમાં હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવી, કોચી-મુંબઈ ફ્લાઈટનું રનવે પર ભટકાવું, દિલ્હી-કોલકાતા ફ્લાઈટ રદ થવી, અને સ્ક્રિન ડિસ્પ્લે ખામી જેવી ઘટનાઓ સામે આવી છે. પ્લેન ક્રેશ બાદથી એર ઈન્ડિયા સતત એક પછી એક વિવાદમાં આવી રહી છે.

Leave a Reply