રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને આશરે 18 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ નજીકના ગામલોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે.
સ્થાનિક લોકો અને રેસ્ક્યૂ ટીમના સહયોગથી બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ જોરશોરથી ચાલુ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે અને વહેલી તકે વધુ બાળકોને બચાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply