અફઘાનિસ્તાનમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી છે.
ભૂકંપ એટલો પ્રચંડ હતો કે તેના આંચકા પાકિસ્તાન તથા દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ અનુભવાયા. રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અનેક ઈમારતો ધ્રુજી ઉઠી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો.
અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું કે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 250 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ રાત્રે 12.47 વાગ્યે આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ બાદ 4.5 તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

Leave a Reply