અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂથી જ ભવ્યતા અને ભક્તિ ભાવ સાથે ઉજવાયો. મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ જગત જનની ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ જોઈ શકાય છે. બે દિવસમાં કુલ 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના પાવન ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવી.
શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા અને આરાસુરની ગિરિકંદરાઓ વચ્ચે, ‘મા’ અંબાના પવિત્ર ધામમાં ભક્તોનો વિશાળ માનવ સાંકળ રચાઈ છે. યાત્રાધામમાં પગપાળા સંઘો અને માઈભક્તો દ્વારા કરવામાં આવેલી સેંકડો કિલોમીટરની યાત્રાએ એક વિશાળ માનવ સાંકળ ઊભી થઈ છે. ટ્રાફિકજામ વચ્ચે પણ માર્ગો પર ઉત્સાહ અને હર્ષ જોવા મળ્યો, અને દરેક ભક્તના ચહેરા પર અદમ્ય ભક્તિભાવ છલકાયો.
રાત્રિના સમયે માર્ગો સુમસામ બન્યા છતાં, ‘જય જય અંબે’ના જયઘોષથી યાત્રાધામ જીવંત બની રહ્યો. આ મહામેળામાં દિવસ દરમ્યાન 49,568 ભોજન પેકેટ, 270 ધજારોહણ પેકેટ, 2,77,750 મોહનથાળ પેકેટ, 3,712 ચીકી પેકેટ અને 8,410 ઉડનખટોલા યાત્રિકોની સેવા આપવામાં આવી.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહિવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઈભક્તોને કોઈ તકલીફ ન પડે તેનું ઘ્યાન રાખીને વિભિન્ન સુવિધાઓ કરવામાં આવી છે. વિશેષ કરીને આ વખતે મંદિર, ગબ્બર તેમજ અંબાજીના જાહેર રસ્તાઓ પર સ્વચ્છતા જળવાયેલી રહે તેની ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

Leave a Reply