એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત

દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા.

ફ્લાઈટ દિલ્હીના એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી પાયલટને એન્જિનના ઓઈલ ફિલ્ટર સાથે ટેકનિકલ ખામીની શંકા ગઈ. તરત જ તેણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘પાન-પાન’ કોલ દ્વારા માહિતી આપી. આ કોડ તે સમયે ઉપયોગમાં લેવાય છે જ્યારે વિમાનમાં તાત્કાલિક સમસ્યા ઊભી થાય, પરંતુ તે જીવલેણ ન હોય. આ કોલ ATC અને અન્ય વિમાનોને સૂચિત કરે છે કે ફ્લાઈટને તાત્કાલિક અને પ્રાથમિકતાવાળી લેન્ડિંગની જરૂર છે.

ઈન્દોર એરપોર્ટના ડિરેક્ટર વિપિનકાંત સેઠના જણાવ્યા અનુસાર, ફ્લાઈટનો નિર્ધારિત લેન્ડિંગ સમય સવારે 9.35 વાગ્યાનો હતો, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે સવારે 9.55 વાગ્યે સલામત રીતે લેન્ડ થઈ હતી. માત્ર 20 મિનિટના વિલંબ બાદ તમામ 161 મુસાફરો સલામત રીતે ફ્લાઈટમાંથી ઉતરી ગયા.

‘પાન-પાન’ કોલનો અર્થ એ છે કે વિમાનમાં તાત્કાલિક ખતરો નથી, પરંતુ ATCને પરિસ્થિતિની જાણ કરવા અને સલામત લેન્ડિંગ માટે સૂચિત કરવું જરૂરી છે. જો ખામી ગંભીર અને જીવલેણ હોય તો પાયલટ ‘મે-ડે’ કોલ કરે છે, જે તાત્કાલિક અને ગંભીર અવસ્થાને દર્શાવે છે, જેમ કે એન્જિન ફેલ થવું, આગ લાગવી અથવા વિમાનનું નિયંત્રણ ગુમાવવું.

 

Leave a Reply

Your email address will not be published.