રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આશા હતી કે યુદ્ધ અટકાવવા દ્વિપક્ષીય કે ત્રિપક્ષીય સ્તરે વાટાઘાટ શરૂ થશે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા મોસ્કોમાં બેઠક માટે અપાયેલું આમંત્રણ ઠુકરાવી દીધું છે.
ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું એવા દેશમાં જઈ શકતો નથી જે દરરોજ યુક્રેન પર મિસાઈલ હુમલા કરે છે. જો પુતિન વાતચીત કરવા ઈચ્છે છે, તો તેમને કિવ આવવું પડશે. હું મોસ્કો જેવો આતંકવાદી દેશ ક્યારેય જઈશ નહીં.”
યુક્રેનના રાષ્ટ્રપતિએ પુતિન પર આરોપ મૂક્યો કે તેઓ વાતચીતમાં વિલંબ કરી રહ્યા છે અને અમેરિકાને રાજકીય દાવપેચમાં ફસાવી રહ્યા છે. ઝેલેન્સ્કીના આ કડક નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે પુતિને થોડા દિવસો પહેલાં જ ઝેલેન્સ્કીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બેઠક મોસ્કોમાં થઈ શકે છે.
પુતિને અગાઉ નિવેદન આપ્યું હતું કે તેઓ ક્યારેય બેઠકની સંભાવનાને નકારી નથી અને જો સારી રીતે તૈયારીઓ સાથે બેઠક યોજાશે તો તે શક્ય છે. ટ્રમ્પે પણ પુતિનને આ મુદ્દે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં પુતિને કહ્યું હતું કે જો ઝેલેન્સ્કી તૈયાર હોય તો તે મોસ્કો આવી શકે છે.
હવે મોટો સવાલ એ છે કે શું ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે? કારણ કે બંને દેશોએ વાતચીત માટે સંમતિ આપી હતી, પરંતુ હવે બેઠકના સ્થળને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે.

Leave a Reply