અમેરિકા માં ગેરકાયદેસર રીતે રહેનારાઓ પર કડક કાર્યવાહી બાદ હવે ટ્રમ્પ તંત્રએ કાયદેસર ઇમિગ્રેશન ધરાવતા લોકો સામે પણ આકરો વલણ અપનાવ્યો છે. તેમાં H1-B વિઝાધારકો તેમજ ગ્રીનકાર્ડ ધારકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકન નાગરિકોને વધુ રોજગારી મળી રહે તે માટે વિદેશી કામદારોની સંખ્યા મર્યાદિત રાખવી જરૂરી છે. આ હેતુસર H1-B વિઝા પ્રક્રિયામાં મોટા ફેરફારો કરાયા છે. હવે વિઝા ફાળવણી ઉમેદવારના વેતન આધારે થશે. જેટલું વધુ વેતન હશે, તેટલી વિઝા મળવાની શક્યતા વધશે. આ પગલું અમેરિકન કંપનીઓને ઓછી કિંમતના વિદેશી કર્મચારીઓ પર આધાર રાખવાનું રોકવા માટે છે.
તે જ રીતે ગ્રીનકાર્ડ ધારકો માટે પણ નવા નિયમો અમલમાં લાવવામાં આવી રહ્યા છે. અમેરિકન ન્યાય વિભાગ મુજબ, કોઈપણ ગ્રીનકાર્ડ ધારક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હશે અથવા ટેક્સ રિટર્નમાં ખોટા આંકડા દર્શાવશે તો તેનું કાર્ડ છીનવાઈ શકે છે. નેચરલાઇઝેશન દ્વારા નાગરિક બનેલા લોકોનું નાગરિકત્વ પણ રદ થઈ શકે છે.
નવા નિયમો મુજબ ગ્રીનકાર્ડ ધારકોને “નેબરહૂડ ઇન્વેસ્ટિગેશન” પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેમાં પડોશી, સહકર્મચારી અને બિઝનેસ એસોસિયેટ્સના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. ગ્રીનકાર્ડ ધારકોની પત્નીઓને પણ ઇન્ટરવ્યુ દરમિયાન કડક તપાસનો સામનો કરવો પડશે.
આ પગલાંને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, H1-B વિઝાધારકો અને કાયદેસર રહેતા ગ્રીનકાર્ડ ધારકોમાં ભારે ચિંતાનો માહોલ છે.

Leave a Reply